અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

વાઈબ્રન્ટ સમિટ બાદ ગુજરાતની પ્રથમ AC ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ ગાંધીનગરમાં દોડશે

Text To Speech

ગાંધીનગર, 25 ડિસેમ્બર 2023, ગુજરાતમાં આગામી 10મી જાન્યુઆરીથી ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. આ સમિટને સફળ બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ગાંધીનગરમાં રાજ્યની પહેલી AC ઈલેક્ટ્રિક ડબલડેકર બસ દોડાવાની તજવીજ હાથ ધરાઈ છે. અંદાજે ત્રણ કરોડની કિંમતે મળતી એસી ઈલેક્ટ્રિક બસને વાઈબ્રન્ટ સમિટ દરમિયાન કાર્યરત કરવા કવાયત ચાલી રહી છે. વાઈબ્રન્ટ સમિટ બાદ સામાન્ય નાગરિકોની અવર-જવર માટે આ બસનો ઉપયોગ કરવામાં આવશે. સરકાર દ્વારા કોર્પોરેશનને નવી બસ સોંપવા અંગે ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતા છે.

નાગરિકોએ ડબલ ડેકર બસ ફરી શરૂ કરવા માંગ કરી હતી
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને ગ્રીન સિટીના ઉદ્દેશ સાથે ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવા દરખાસ્ત તૈયાર કરી હતી. સ્થાયી સમિતીના ઠરાવ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી આ બસ પ્રાપ્ત કરવા માટે રજૂઆત થઈ હતી. કોર્પોરેશનની આ રજૂઆતને ધ્યાને રાખીને સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટ પહેલા બસની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે. ગાંધીનગર શહેરમાં ડબલ ડેકર બસની આગવી ઓળખ હતી. અમદાવાદ-ગાંધીનગરને જોડતા માર્ગો પર ડબલ ડેકર બસ દોડતી હતી અને વસાહતીઓમાં ખૂબ પ્રિય પણ હતી. આ બસો જર્જરિત થઈ જતાં તેને 1996ના વર્ષથી તબક્કાવાર રીતે દૂર કરવામાં આવી હતી અને પાછલા 25 વર્ષથી ગાંધીનગરમાં ડબલ ડેકર બસ બંધ થઈ ગઈ છે. નાગરિકોએ ડબલ ડેકર બસ ફરી શરૂ કરવા અગાઉ માંગણીઓ કરી હતી.

આ ડબલ ડેકર બસની કેપેસિટી 63 બેઠકની છે
નાગરિકોની આ માગણીને ધ્યાને રાખી વર્ષો બાદ ડબલ ડેકર બસ સેવા શરૂ કરવા કોર્પોરેશન દ્વારા વિચારણા હાથ ધરાઈ હતી. બદલાયેલી ટેકનોલોજી અને પર્યાવરણીય સંવેદનાને ધ્યાને રાખી ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ શરૂ કરવા નિર્ણય લેવાયો હતો. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે હાલ એસી ઈલેક્ટ્રિક બસ દોડી રહી છે. આ કાફલામાં આગામી સમયમાં ડબલ ડેકર બસનો પણ સમાવેશ થાય તેવી શક્યતા છે. આમ હવે વિદેશની જેમ ગાંધીનગરમાં પણ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે.આ ડબલ ડેકર બસની કેપેસિટી 63 બેઠકની છે. એક ચાર્જિંગ પર 250 કિમી સુધી ચાલી શકે છે.

Back to top button