ફૂડલાઈફસ્ટાઈલહેલ્થ
સલાડનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય બગાડી શકે !!
જ્યારે પણ ન્યુટ્રિશ્યન અથવા પોષણયુક્ત આહારની વાત આવે ત્યારે સલાડ ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ કોણે કેટલું સલાડ અને કયા પ્રકારનું સલાડ ખાવું જોઈએ તેના વિશે વધુ વિચાર નથી થયો. નિષ્ણાંતોના મતે સલાડ ખાવું આરોગ્યપ્રદ ભલે છે પણ વધુ પડતું સલાડ આંતરડાને નુકસાન કરી શકે છે. સલાડ કાચો ખોરાક હોવાથી તેનું વધુ પ્રમાણ આંતરડા પર બોજો વધારી દે છે.
સલાડ ખાવાનું પ્રમાણ દરેક વ્યક્તિએ જુદુ હોય
ન્યુટ્રિશ્યનીસ્ટ્સના મતે સલાડમાંથી પોષણ તો મળી રહે છે પણ તેનું પ્રમાણ દરેક વ્યક્તિએ જુદુ હોય છે. જેમને વારંવાર ગેસ્ટ્રિક સમસ્યા થતી હોય તેમને કાચા કોબી, લેટયુસ, ફણગાવેલા કઠોળ વધુ પ્રમાણમાં ખાવાથી એસિડિટી અને પેટ ફૂલવાની તકલીફ થઈ શકે છે. વળી કેટલાકને રોજ કાચો ખોરાક ખાવાથી આંતરડાની તકલીફ થઈ શકે છે.
નિષ્ણાંતોના મતે રોજ રાત્રે સલાડ ખાવાથી કેટલાકને ઊંઘની તકલીફ થઈ શકે
ઉપરાંત કેટલાક સલાડમાં ડ્રેસિંગ માટે સીરપ ઉમેરતા હોય છે. મોટાભાગના સીરપમાં સુગર, સ્ટાર્ચ અને બીજી અનેક કેલરીયુક્ત વસ્તુઓ હોય છે. એનાથી વજન ઓછુ કરવા માટે સલાડ ખાવાનો હેતુ જ માર્યો જાય છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે રોજ રાત્રે સલાડ ખાવાથી કેટલાકને ઊંઘની તકલીફ થઈ શકે છે. રાત્રે સલાડ વધુ પ્રમાણમાં ખાવાથી વધુ ફાઈબર પેટમાં તકલીફ ઊભી કરી શકે છે જેના કારણે રાતની ઊંઘ ખરાબ થઈ શકે છે. આમ છતાં સલાડનું મહત્વ ઓછું નથી થતું. જરૂર છે તેનું પ્રમાણભાન જાળવવાની તેમજ તેમાં બહારના સુગરયુક્ત સીરપ જેવી વસ્તુ ઉમેરવાની બદલે ઘરમાં જ બનાવેલું આરોગ્યપ્રદ ડ્રેસિંગ કરી શકાય છે. એના માટે ન્યુટ્રિશ્યનિસ્ટ્સ લીંબુના રસમાં ઓલિવ ઓઈલ, મરી, મીઠું, ખજૂર નાખીને સલાડ પર ડ્રેસીંગ કરવાની સલાહ આપે છે.
વ્યક્તિની પસંદગી અને પાચનશક્તિ મુજબ યોગ્ય ઉમેરા કરી શકાય
કેટલાકના મતે સલાડ એટલે માત્ર કાચા શાકભાજી. પણ એવું નથી. સલાડમાં વ્યક્તિની પસંદગી અને પાચનશક્તિ મુજબ યોગ્ય ઉમેરા કરી શકાય. માત્ર ફાઈબરયુક્ત સલાડ ખાવાની બદલે તેમાં પ્રોટીનયુક્ત તેમજ કાર્બોહાઈડ્રેટયુક્ત વસ્તુઓ પણ ઉમેરવી જોઈએ. સલાડના શાકભાજી તદ્દન કાચા રાખવાની બદલે તેને બાફીને ખાવા વધુ સલાહ યુક્ત છે. જેમને રોજ સલાડ ખાવાની ઈચ્છા હોય તેમણે પોતાની પ્રકૃતિ મુજબનો ખોરાક સલાડમાં સામેલ કરવો જોઈએ. યાદ રહે કે એક સલાડ પણ પૂર્ણ ભોજન બની શકે છે. પણ દરેક વ્યક્તિ માટે એક જ પ્રકારનું સલાડ યોગ્ય ન હોઈ શકે. દરેકને પોતાની પાચનશક્તિ અને પોતાની જરૂરીયાત મુજબ સલાડમાં ઉમેરા કરવા જોઈએ તેમજ તેનું પ્રમાણ પણ યોગ્ય માત્રામાં હોવું જોઈએ. તો જ સલાડ સારા આરોગ્ય માટે ઉત્તમ વાનગી સાબિત થઈ શકે.