પૂર્વ PM ઈમરાન ખાનને તોશાખાના કેસમાં ફટકો, SC એ પણ અરજી કરી પરત
ઇસ્લામાબાદ, 24 ડિસેમ્બર : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની મુસીબતો ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવે તોશાખાના કેસમાં ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની અરજી પરત કરી દીધી છે. ઈમરાન ખાને તોશાખાના કેસમાં પોતાની જેલની સજા રદ કરવાની માંગ કરી હતી. જો કે હાલમાં સુપ્રીમ કોર્ટે ઈમરાનને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે.
ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન વતી તેમના વકીલ લતીફ ખોસાએ પાકિસ્તાનના બંધારણની કલમ 185 હેઠળ સજા રદ કરવાની અપીલ કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસે શનિવારે અરજી પરત કરી હતી. અરજીમાં 11 ડિસેમ્બર, 2023ના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટે પણ ઈમરાન ખાનની સજા માફ કરવા માટે અપીલ કરી હતી. હાઈકોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે કયા કારણોસર અરજી પરત કરી?
ઈમરાન ખાન પર સરકારી તિજોરીમાંથી ભેટો વેચવાનો આરોપ હતો. ઈમરાન ખાનને આ ભેટ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મળી હતી. આ કેસ (તોશાખાના કેસ)માં ઈમરાન ખાનને 5 ઓગસ્ટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની અરજી પરત કરતા કહ્યું કે અરજીમાં ઘણી ખામીઓ છે અને સમગ્ર વિવાદનો કાલક્રમિક રેકોર્ડ તેની સાથે જોડવો જોઈએ. આ ઉપરાંત, અરજીમાં એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી શા માટે કરવી જોઈએ અને તેની સાથે વિવિધ તથ્યો સાથે સંબંધિત દસ્તાવેજો પણ હોવા જોઈએ.
ખાનને ચૂંટણી લડવા અયોગ્ય ઠેરવાયો
મહત્વનું છે કે, તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈમરાન ખાનને બંધારણની કલમ 62(1)(f) હેઠળ ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ ગુનેગારને આજીવન ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવાની જોગવાઈ હતી, પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા સુધારા બાદ આ ગેરલાયકાત પાંચ વર્ષ સુધી મર્યાદિત થઈ ગઈ છે.