નવી મુંબઈ, 24 ડિસેમ્બર : ભારતીય રમત ગમત મંત્રાલયે રવિવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દીધું છે. આ બાબતે શરદ પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ કહ્યું કે WFIનું સસ્પેન્શન એક નાટક છે. વધુમાં NCP ચીફ શરદ પવારે કહ્યું કે આવો નિર્ણય લઈને શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) મહિલા કુસ્તીબાજોને મદદ ન કરવાના આરોપમાંથી પોતાને મુક્ત કરી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે, રમત મંત્રાલયે ભારતીય રેસલિંગ ફેડરેશનને આગામી આદેશો સુધી સસ્પેન્ડ કરી દીધું છે કારણ કે નવી ચૂંટાયેલી સંસ્થાએ કુસ્તીબાજોને તૈયારી માટે પૂરતો સમય આપ્યા વિના અંડર-15 અને અંડર-20 નેશનલ ચેમ્પિયનશિપના સંગઠનની ઉતાવળમાં જાહેરાત કરી દીધી હતી. મંત્રાલયના એક અધિકારીએ એમ પણ કહ્યું કે નવી સંસ્થા WFI બંધારણનું પાલન કરતી નથી. મહત્વનું છે કે, WFI ની ચૂંટણી 21 ડિસેમ્બરે યોજાઈ હતી જેમાં ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહ અને તેમની પેનલે જંગી માર્જિનથી જીત મેળવી હતી.