ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

કુસ્તીસંઘ પર સરકારની ઍક્શનઃ કોણે શું પ્રત્યાઘાત આપ્યા?

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: ભારતીય કુસ્તી સંઘના નવા ચૂંટાયેલા વડા સંજય સિંહ સહિત સંઘની સમગ્ર ચૂંટાયેલી પાંખને સસ્પેન્ડ કર્યા બાદ એક તરફ ખુશી તો બીજી તરફ દુ:ખની લહેર છવાઈ છે. WFI પર રમતગમત મંત્રાલયની કાર્યવાહી બાદ સંજય સિંહે પહેલી પ્રતિક્રિયા આપી છે. સંજય સિંહે કહ્યું કે, ‘હું ફ્લાઈટમાં હતો અને મને હજુ સુધી કોઈ પત્ર મળ્યો નથી. પહેલા મને પત્ર જોવા દો, પછી જ હું ટિપ્પણી કરીશ.’ બીજી તરફ, બ્રિજ ભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહને સસ્પેન્ડ કર્યા બાદ રેસલર્સની નારાજગી ખતમ થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. કુસ્તીબાજ વિનેશ ફોગટે સરકારની કાર્યવાહી બદલ ખુશી વ્યક્ત કરી છે.

સરકારની કાર્યવાહી પર સાક્ષી મલિકે આપ્યું નિવેદન

કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની નવી ચૂંટાયેલી બોડીને સસ્પેન્ડ કરવા પર કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું, આ કુસ્તીબાજોના ભલા માટે થયું છે. અમે કહી રહ્યા હતા કે આ દીકરીઓની અને બહેનોની લડાઈ છે, આ પહેલું પગલું છે. જો કે, અગાઉ સંજ્ય સિંહ કુસ્તીસંઘના વડા તરીકે ચૂંટાતા સાક્ષીએ કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

સંજય સિંહ મારા કોઈ સંબંધી નથીઃ બ્રિજભૂષણ શરણ સિંહ

પૂર્વ WFI વડા બ્રિજભૂષણ શરણ સિંહે પણ પ્રતિભાવ આપ્યા છે. રમત મંત્રાલય દ્વારા રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના નવા ચૂંટાયેલા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ તેમણે કહ્યું કે, મેં કુસ્તીબાજો માટે 12 વર્ષ કામ કર્યું છે. એ તો સમય જ કહેશે કે મેં ન્યાય કર્યો કે નહીં. હવે આ સંબંધિત કોઈપણ નિર્ણય સરકાર સાથે વાતચીત કરીને ફેડરેશનના ચૂંટાયેલા લોકો દ્વારા કરાશે. તેમણે એમ પણ કહ્યું કે, સંજય સિંહ મારા સંબંધી નથી.

કુસ્તીસંઘને રાજકારણથી દૂર રાખવું જોઈએઃ ફોગટ

કુસ્તી સંઘની માન્યતા રદ કરવાની સાથે મંત્રાલયે નવા ચૂંટાયેલા પ્રમુખ સંજય સિંહને પણ સસ્પેન્ડ કરી દીધા છે. આ સમાચારથી કુસ્તીબાજોમાં ખુશી જોવા મળી રહી છે, જેમણે રેસલિંગ એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. મહિલા રેસલર વિનેશ ફોગટે રેસલિંગ એસોસિએશનની માન્યતા રદ થવા પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રેસલિંગ એસોસિએશનને રાજકારણથી દૂર રાખવું જોઈએ. તેણે એમ કહ્યું કે, હવે કોઈ મહિલાને રેસલિંગ એસોસિએશનની પ્રમુખ બનાવવી જોઈએ. ફોગટે તેની પાછળનું કારણ જણાવતા કહ્યું કે માત્ર એક મહિલા જ બીજી મહિલાની સમસ્યાઓ સમજી શકે છે. મહિલા પ્રમુખ ચૂંટાય તો છોકરીઓ માટે સારું રહેશે. હવે સસ્પેન્શનથી આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.

એડ-હોક કમિટી તેનું કામ ચાલુ રાખશે

કુસ્તી એસોસિએશનને ચલાવવા માટે જે એડ-હોક કમિટી બનાવવામાં આવી હતી તે પોતાનું કામ ચાલુ રાખશે. જો કે, અગાઉ સંજય સિંહે કુસ્તીસંઘના વડા બન્યા બાદ આ સમિતિને સસ્પેન્ડ કરી દીધી હતી, પરંતુ હવે રમતગમત મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કુસ્તી સંઘ આ સમિતિના માર્ગદર્શન હેઠળ કામ કરશે. પીટીઆઈના અહેવાલોમાં રમતગમત મંત્રાલયના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અમે WFIને બરતરફ કર્યું નથી, પરંતુ તેમણે રમતગમત સંસ્થા તરીકે કામ કરતી વખતે યોગ્ય કાયદાનું પાલન કરી કામ કરવું જોઈએ. રમતગમત મંત્રાલયે કહ્યું, WFIનું કામકાજ પૂર્વ પદાધિકારીઓ દ્વારા નિયંત્રિત પરિસરમાંથી ચલાવવામાં આવશે. આ પરિસર એ જ છે જેમાં ખેલાડીઓની જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે.

WFIના પ્રમુખ પદ માટે સંજય સિંહે ચૂંટણી જીતી હતી

થોડા દિવસ અગાઉ યોજાયેલી ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહ બબલુએ પ્રમુખ પદ માટે ચૂંટણી જીતી હતી. આ ચૂંટણીમાં તેણે મહિલા રેસલર અનિતા શિયોરાનને હરાવ્યા હતા. સંજય સિંહની ચૂંટણી જીતવા સામે કુસ્તીબાજોએ સખત વાંધો વ્યક્ત કર્યો હતો. જ્યારે મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, ત્યારે બજરંગ પુનિયાએ તેનું પદ્મશ્રી પરત કર્યું હતું. હાલ આ મુદ્દો સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે.

આ પણ વાંચો: કુસ્તી સંઘના નવા ચૂંટાયેલા અધ્યક્ષ સહિત સમગ્ર નવું કુસ્તી સંઘ સરકાર દ્વારા સસ્પેન્ડ

Back to top button