ગુજરાત
રાજકોટમાં આવારા તત્વો બેફામ, જાહેરમાં મારામારીના સીસીટીવી વાયરલ
રાજકોટમાં ખાખીનો ખોફ ઓસરતો જતો હોઈ તેમ એકાએક સરાજાહેર મારામારીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શુક્રવારે નિર્મલા રોડ પર ભરબપોરે રોડ વચ્ચોવચ્ચ બે જૂથ વચ્ચે છરી-ધોકા વડે મારા મારી થતા સામસામે બેને ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા તેનો વીડિયો વાયરલ થયો હતો. આ મુદ્દે ગાંધીગ્રામ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી સામ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્લોટ બાબતના ચાલતા ઝઘડાનો ખાર રાખી અને પ્લોટ પડાવી લેવાના ઇરાદે હુમલો
મળતી માહિતી મુજબ, કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસે સોના ધર્મેન્દ્રમાઈ ચુનીલાલ રાવલ (ઉ.વ.54) બપોરે નિર્મળા રોડ પર તેની શિવમ એસ્ટેટ નામની ઓફિસે બેઠા હતા તે દરમિયાન વિશાલ મહેતા અને લાલો પટેલ સહિતનાઓએ શાપર ખાતે પ્લોટ બાબતના ચાલતા ઝઘડાનો ખાર રાખી અને પ્લોટ પડાવી લેવાના ઇરાદે ઓફિસમાં છરી-ધોકા સાથે ઘૂસી ગાળો ભાંડી મારમાર્યો હતો.જેમાં તેને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા પોલીસે ધર્મેન્દ્રભાઈ ફરિયાદ પરથી વિશાલ અને લાલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
સામાપક્ષે પણ નોંધાવવામાં આવી ફરિયાદ
જયારે સામા પક્ષના વિશાલ શ્રીકાંતભાઈ મહેતા (ઉ.વ.36) પણ માર માર્યાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો જેમાં તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વીનુભાઇ દેસાઇ સાથે તેનો શાપર વેરાવળ ખાતે આવેલ પ્લોટનુ રૂ.7 લાખમાં ટોકન આપી લખાણ કરાવી જાહેર નોટીસ આપી હતી. જે પ્લોટ બાબતે દિપક રાઠોડે પોતે ટોકન આપ્યું હતું. ‘આ પ્લોટનું ટોકન આપેલ છે’ તેમ કહી આ બાબતે વાતચીત કરવા બોલાવી આ પ્લોટ પોતાને જ લેવાનો છે. તેમ કહી આ પ્લોટ બળજબરીથી પડાવી લેવા માટે અપશબ્દો કહી ધર્મેન્દ્ર રાવલ અને દિપક રાઠોડએ લોખંડના પાઇપ વતી વિશાલભાઇ તથા પાર્થ ધાનાણી ઉર્ફે લાલાને મારમારતા બંનેને માથામાં ઇજા થતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેથી પોલીસે વિશાલની ફરિયાદ પરથી દિપક રાઠોડ અને ધર્મેન્દ્ર રાવલ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.