ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં વૃદ્ધાને છેતરી દાગીના લઈ જનાર શખ્સ ઝડપાયો

  • બે યુવકો મળી અલગ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી મહિલાઓને ઠગતા હતા

પાલનપુર 23 ડિસેમ્બર 2023 : ડીસામાં વીસેક દિવસ અગાઉ મુખ્ય બજારમાંથી વૃદ્ધાને છેતરીને દાગીના લૂંટી જનાર બે શખ્સમાંથી એક શખ્સની પોલીસે અટકાયત કરી છે. બંને શખ્સો અલગ પ્રકારની મોડસ ઓપરેનડીથી મહિલાઓને લાલચ આપી લૂંટતા હોવાના અનેક ગુના આરોપીએ કબુલ કર્યા છે.

ડીસા તાલુકાના નાની આખોલ ગામે રહેતા સંજનાબેન દરબાર વીસેક દિવસ અગાઉ માલ-સામાનની ખરીદી કરવા માટે ડીસા આવતા ફુવારા સર્કલ પાસે રિક્ષામાંથી ઊતરીએ તેઓ બજારમાં ચાલતા ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે અજાણ્યા બે શખ્સો રસ્તો પૂછવાના બહાને મહિલા સાથે વાતચીત કરવા લાગ્યા હતા. તે દરમિયાન વાતોમાં લલચાવી, વિશ્વાસમાં લઈ મહિલાના દાગીના રૂમાલમાં રાખવી દીધા હતા અને ત્યારબાદ બંને શખ્સો મહિલાની નજર ચૂકવી દાગીના બાંધેલી રૂમાલની પોટલી બદલી દાગીના ભરેલી પોટલી લઈ છૂમંતર થઈ ગયા હતા. ત્યારબાદ મહિલાએ તેની પાસે રહેલી રૂમાલની પોટલી ખોલીને જોયું તો તેમાં પથરા ભરેલા હતા અને દાગીના ગાયબ હતા. જેથી મહિલાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જે અંગે ડીસા ઉત્તર પોલીસ મથકના પી.આઇ. વી.એમ. ચૌધરીના માર્ગદર્શન પોલીસ ટીમે તપાસ હાથ ધરી ડીસા તાલુકાના ઢૂંવા ગામના કિશકલ જેઠાભાઈ દેવીપૂજકને ઝડપી લીધો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા અલગ પ્રકારની મોડસ ઓપરેનડી જણાવી હતી. જેમાં ઝડપાયેલો શખ્સ તેના મિત્ર શક્તિ દરગાભાઈ સલાટ સાથે મળી બંને મુખ્ય બજારમાં મહિલાઓની રેકી કરી તેને રસ્તામાં ઉભી રાખી રડતા રડતા જણાવતો કે,” મને મારા શેઠે નોકરીમાંથી છૂટો કરેલો છે અને મારે અમદાવાદ જવું છે”.

આ દરમિયાન બીજો શખ્સ ત્યાં આવી કેમ ભાઈ મહિલાને હેરાન કરે છે તેમ પૂછતો. જેથી તે કહેતો કે મારી પાસે શેઠના પૈસાનું બંડલ છે તે તમારી પાસે રાખો. તે દરમિયાન બીજો શખ્સ મહિલાને કહેતો કે તમારા દાગીના કાઢીને રૂમાલમાં મૂકી દો આ ભાઈ ઉપર મને વિશ્વાસ નથી. જેથી મહિલા તેના દાગીના ઉતારીને રૂમાલમાં બાંધી દેતી હતી. ત્યારબાદ ઉપર 500ની એક નોટ રાખેલું નકલી બંડલ બતાવી મહિલાને લાલચમાં લાવી દાગીના બાંધેલો રૂમાલ યુક્તિ પ્રયુક્તિથી બદલાવીને ફરાર થઈ જતા હતા.આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અનેક મહિલાઓને છેતરી હોવાનું તેને પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. જેથી પોલીસે બીજા આરોપી શક્તિ સલાટની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : આધાર કાર્ડ ચાર પ્રકારના હોય છે, શું તમે જાણો છો?

Back to top button