અમદાવાદ, 22 ડિસેમ્બર 2023, વિદેશ જનારા લોકો સાથે એજન્ટો દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી થતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક ખાનગી વિઝા ઈમિગ્રેશન કંપનીમાં વિઝા એજન્ટ તરીકે નોકરી કરતી મહિલાએ કેનેડામાં કન્સલ્ટન્સી કંપની બનાવી આપવાનું કહી 58.66 લાખ રૂપિયા લીધા હતાં અને ત્યાર બાદ કોઈ કામ નહીં કરી આપીને ફરાર થઈ ગઈ હતી. આ મહિલા સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
વિઝા એજન્ટ મહિલા 58 લાખ લઈ મહિલા ફરાર
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેશભાઈ પટેલ લોખંડનું ખરીદ વેચાણનું કામ કરે છે. તેમનો દીકરો સર્જન પટેલ અને તેની પત્નીને કેનેડા જવું હોવાથી તેઓ અમદાવાદમાં લૉ ગાર્ડન સ્થિત વિની ઈમિગ્રેશન કંપની ખાતે ગયા હતાં. ત્યાં વિઝા એજન્ટ હેતલ ત્રિવેદીને સર્જન પટેલે કેનેડાના પીઆર વિઝા સાથે કન્સલ્ટન્સી અંગે પુછ્યું હતું. ત્યારે હેતલ ત્રિવેદીએ તેને સપ્ટેમ્બર 2023 સુધીમાં કેનેડાના પીઆર સાથે વિઝા અપાવી દેવાની બાંહેધરી આપી હતી. ત્યાર બાદ તેણે વર્ક પરમીટ અને ઓફિસ ખર્ચ અને બિઝનેસ પ્રોજેક્ટ પેટે એટલે કે અન્ય દેશોમાં કન્સલ્ટન્સીના લાયસન્સ મેળવવા માટે ટુકડે ટુકડે 28.92 લાખ મેળવી લીધા હતા. તેમજ અન્ય માણસોના ખાતામાં પણ ચાર લાખની રકમ ટ્રાન્સફર કરાવી હતી.
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી
સર્જન પટેલે ઉદ્યોગભવન ખાતે તપાસ કરતાં તેમની કોઈ કંપની ફાઈલ ત્યાં આવી નથી. ત્યાર બાદ હેતલ ત્રિવેદીની ઓફિસમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તે છેલ્લા ત્રણેક દિવસથી ઓફિસ નથી આવી અને સર્જન પટેલ તરફથી ટ્રાન્સફર કરવામાં આવેલા 19 લાખ રૂપિયા વિની ઈમિગ્રેશન કંપનીના એકાઉન્ટમાં જમા થયા હતાં. તેણે અન્ય ગ્રાહકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી કરીને 25.39 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. હેતલ ત્રિવેદી વિની ઈમિગ્રેશનમાંથી નોકરી છોડીને ફરાર થઈ ગઈ હોવાનું જણાતા મહેશ પટેલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ઘરી છે.
આ પણ વાંચોઃમહેસાણામાં અધિકારીઓની જાસૂસીથી ખળભળાટ, પોલીસે બે ખનીજચોરોની અટકાયત કરી