37 હજાર આહીરાણીઓનો મહા-રાસ, કૃષ્ણ નગરીમાં રચાશે ઇતિહાસ
દેવભૂમિ દ્વારકા, 22 ડિસેમ્બર : ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે, દ્વારકાની ઐતિહાસિક ભૂમિ પર અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન આયોજિત 23 અને 24 ડિસેમ્બરના રોજ 37 હજારથી વધુ આહીરાણીઓ મહારાસ રમીને વિશ્વ રેકોર્ડ બનાવશે. જેમાં દેશ વિદેશથી પણ આહીરાણીઓ રાસ રમવા આવશે.
મહારાસ સંગઠનના અધ્યક્ષ છે ભગવાન શ્રી કૃષ્ણ:
દ્વારકામાં મહારાસના આયોજન માટે 8 બહેનોથી શરૂઆત થઇ હતી અત્યારે 37 હજાર આહિરાણીઓ જોડાઈ છે. નવાઈની વાત તો એ છે કે આટલા મોટા સંગઠનમાં કોઇને હોદ્દો નથી આપ્યો. એક માત્ર અધ્યક્ષ છે એ પણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ.
મહારાસના દિવસે જ ધ્વજારોહણ:
અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા જગત મંદિરે 23 ડિસેમ્બરના રોજ રોજ સાંજે 5 વાગ્યે શ્રી દ્વારકાધીશના જગત મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે.
યોજાનાર કાર્યક્રમ અને સમય :
તા. 23 ડિસેમ્બર 2023
બિઝનેસ એકસ્પો – સાંજે ૦૨:૦૦ કલાકે
સમૂહ મહાપ્રસાદ સાંજે ૦૬:૦૦ કલાકે
વ્રજવાણી રાસ ગરબા સાંજે ૦૭:૦૦ કલાકે
લોક ડાયરો(માયાભાઈ) – રાત્રે ૧૧:૦૦ કલાકે
તા : 24 ડિસેમ્બર 2023
શ્રીકૃષ્ણ તથા દૈવીતત્વોનું આહ્વાન સવારે ૦૫ કલાકે
ગીતાસંદેશ – સવારે ૦૭ કલાકે મહારાસ – સવારે ૦૮:૩૦ કલાકે
સામાજીક સંદેશ – ૧૦:૩૦ કલાકે સમુહ મહાપ્રસાદમ બપોરે ૧૨ કલાક થી
એક લોહીયા આહિર – સવારે ૧૦ કલાકે વિશ્વશાંતિ રેલી ૧૧ કલાકે
દ્વારકાની ઐતિહાસિક ભૂમિ:
જ્યાં 37 હજાર જેટલી આહીરાણીઓ મહારાસ રમીને ઇતિહાસ રચશે. મહારાસને લઈને વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. મહારાસમાં કુલ 67 રાઉન્ડ હશે જેમાં પ્રથમ રાઉન્ડમાં 167 બીજા રાઉન્ડમાં 275 અને છેલ્લા રાઉન્ડમાં 900 થી વધુ આહીરાણીઓ મહારાસ રમશે. છેલ્લો રાઉન્ડ લગભગ 1 કી.મી જેટલો વિશાળ હશે. તમામ રાઉન્ડમાં બહેનોની જગ્યા નિશ્ચિત કરવા રેડિયમ સ્ટિકર લગાડાશે જેથી બહેનો પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ શકે.
800 વીઘા જમીનમાં આહિરાણીઓ રમશે મહારાસ:
દ્વારકામાં નાગેશ્વર રોડ પર રુકમણી મંદિરની બાજુમાં આહીર સમાજના અગ્રણી મૂળુભાઈ કંડોરિયાની જમીન પર આહીરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળને નંદધામ પરિસર નામ આપવામાં આવ્યું છે, જે 800 વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં ડોમ, મંડપ, પ્રસાદ, રહેવા માટે શામિયાણા, પાર્કિંગ, મોબાઈલ ટોઇલેટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરાઇ છે.
કૃષ્ણવંશી ક્ષત્રિય પરંપરાને પ્રદર્શિત કરતો ભવ્ય રજવાડી પ્રવેશ દ્વાર:
જેવી રીતે મહાભારતમાં અર્જુનના રથ પર સાક્ષાત હનુમાનજી બિરાજમાન થયા હતા તેવી જ રીતે આ રજવાડી ગેટ પર ધ્વજા સ્વરૂપે બજરંગબલી બિરાજમાન છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ભાતીગળ સંસ્કૃતિથી કરાશે સ્વાગત:
મહારાસના પ્રવેશ દ્વારથી લોકડાયરાના ગ્રાઉન્ડ સુધી આહીર સંસ્કૃતિની ઝાંખી, જેમાં આહીર સમાજની પરંપરા, બલિદાન, અમીરાત, ઉદારતા, ખમીરી, સંસ્કાર અને ઇતિહાસને ઉજાગર કરતી ભાતીગળ સંસ્કૃતિ સાથે ગ્રામીણ સંસ્કૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે
ભવ્ય બિઝનેસ એક્સપો :
23 તારીખે મહારાસ પહેલાં આહીર સમાજની બહેનો માટે ભવ્ય બિઝનેસ એક્સપો તથા હસ્તકલા પ્રદર્શન હશે, જેમાં આહીર સમાજની બહેનોના 100થી વધુ સ્ટોલ હશે. આ બિઝનેસ એકસ્પો દ્વારા આહીર સમાજની બહેનોના વ્યવસાયને ઊંચી ઉડાન તો મળશે જ સાથે સાથે વિવિધ પ્રદેશમાં વસતા આહીર સમાજના લોકો એકબીજાની ભાતીગળ સંસ્કૃતિથી પરિચિત થશે.
અન્ન ભેળાં એના મન ભેળાં, સામાજિક એકતાના સંદેશ સાથે મહારાસમાં મહાપ્રસાદ :
મહારાસમાં હજારો લોકો મહાપ્રસાદીનો લાભ લઈ શકે તે માટે વિશાળ મેદાનમાં રસોડું તૈયાર કરાયું છે. 500 ડબ્બા ઘી, 200 – 200 ગુણી ખાંડ, તુવેરદાળ, ચોખા ઘંઉનો લોટ, 750 મણ રાશનની સામગ્રીના સ્ટોક સાથે રસોડામાં 500 થી વધુ લોકોનો સ્ટાફ જમવાની વ્યવસ્થા પૂરી પાડશે. તેમજ આહીરાણી બન્ની અન્નપૂર્ણા કેમ્પેઇન અંતર્ગત આહીર સમાજની બહેનો દ્વારા આ મહાપ્રસાદી માટે લાખો રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.
તલસ્પર્શી આયોજન:
મહારાસ દરમિયાન લાખો લોકોને અગવડ ન પડે તે માટે પાર્કિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્થળ, આવન-જાવનની ખાસ વ્યવસ્થા માટે મેપ પણ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : આજે 5160મી ગીતા જયંતી: જાણો આ મહાન ગ્રંથ વિશે
View this post on Instagram