નવી દિલ્હી, 21 ડિસેમ્બર : જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આંતકી હુમલાની ઘટના સામે આવી છે. જમ્મુ ડિવિઝનના પુંછ જિલ્લામાં આતંકવાદીઓએ સૈન્ય વાહન પર હુમલો કરીને હુમલો કર્યાનું જાણવા મળી રહ્યું છે. માહિતી મળી રહી છે કે જિલ્લાના ડોનાદ વિસ્તારમાં થાનામંડી-બાફલિયાલ રોડ પર પોતાના ગંતવ્ય તરફ જઈ રહેલા સૈન્ય વાહન પર આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં 4 જવાનો શહીદ થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે.
સૈનિકોએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ અને સેનાના અધિકારીઓને પણ હુમલાની જાણકારી આપવામાં આવી હતી. વધારાના દળો સ્થળ પર પહોંચી ગયા છે. આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સૂત્રોનું માનીએ તો આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યો અને પછી ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોએ પણ આતંકીઓના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. હાલ બંને તરફથી ગોળીબાર ચાલુ છે.
બીજી તરફ, સંરક્ષણ પીઆરઓએ કહ્યું, ‘વિસ્તારમાં નક્કર ગુપ્ત માહિતીના આધારે બુધવારે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગુરુવારે સાંજે આતંકવાદીઓ સાથે ગોળીબાર શરૂ થયો હતો. એન્કાઉન્ટર હાલમાં ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે વધારાના દળો મોકલવામાં આવ્યા છે.