ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

કુસ્તી સંઘમાં ફરી જામી કુસ્તી, નવા પ્રમુખ ચૂંટાયા બાદ સાક્ષી મલ્લિકે લીધી નિવૃત્તિ

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: બ્રિજભૂષણ શરણ સિંહના સહયોગી સંજય સિંહ કુસ્તીસંઘના પ્રમુખ ચૂંટાતા સાક્ષી મલ્લિકે મોટું એલાન કર્યું છે. તેણે કહ્યું કે હું કુસ્તીમાંથી સંન્યાસ લઈ રહી છું. કુસ્તીબાજ સાક્ષીએ અશ્રુભીને આંખે કહ્યું કે, અમે 40 દિવસ સુધી રસ્તા પર સૂતા રહ્યા અને દેશના ઘણા ભાગમાંથી ઘણા લોકો અમને સપોર્ટ કરવા આવ્યા. વૃદ્ધ મહિલાઓ આવી. એવા લોકો પણ આવ્યા જેમની પાસે કમાવાના પૈસા નહોતા.

સાક્ષીએ એમ પણ કહ્યું કે, અમે જીત્યા તો નથી, પરંતુ હું તમામનો દિલથી આભાર માનું છું. તેણે કહ્યું કે, WFI બ્રિજભૂષણ શરણ સિંહના બિઝનેસ પાર્ટનર અને નજીકના સહયોગી સંજય સિંહ ચૂંટાયા છે તેથી હું હંમેશા માટે કુસ્તીમાંથી સંન્યાસ લઉં છું. આ દરમિયાન સાક્ષીએ તેના શૂઝ ઉપડ્યા અને ટેબલ પર મૂક્યા.

સરકાર વચનો પૂરા કરવામાં નિષ્ફળ નીવડીઃ પૂનિયા

કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ કહ્યું કે, રમત મંત્રીએ રેકોર્ડ પર કહ્યું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ સાથે સંબંધિત કોઈ પણ ફેડરેશનમાં નહીં આવે, પરંતુ મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આજની ચૂંટણીમાં બ્રિજભૂષણના નજીકનો વ્યક્તિ જીત્યો છે. મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે કે તેઓ ન્યાય કરશે. એમ પણ કહ્યું કે એવું લાગે છે કે પેઢીઓ ન્યાય માટે લડતી રહેશે. જે વચનો આપ્યાં હતાં તે પૂરા કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.

વિનેશે રડતાં કહ્યું, કુસ્તીનું ભવિષ્ય અંધકારમાં છે

સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કર્યા બાદ વિનેશ ફોગાટ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે આ ખરેખર દુઃખદ છે. અમે બહુ પ્રયત્નો કર્યા, પરંતુ જીતી શક્યા નહીં. મને ખબર નથી કે અમને હજુ ક્યારે ન્યાય મળશે. હું યુવા ખેલાડીઓને બસ એટલું કહેવા માંગીશ કે, તેઓ અન્યાયનો સામનો કરવા માટે તૈયાર રહે. તેમણે કહ્યું કે અપેક્ષાઓ ઘણી ઓછી છે, પરંતુ આશા છે કે અમને ન્યાય મળશે. કુસ્તીનું ભાવિ અંધકારમાં છે એ દુઃખની વાત છે. અમે હજુ પણ લડી રહ્યા છીએ.

15 પદ માટે ચૂંટણી યોજાઈ હતી

WFIના પ્રમુખ, ટ્રેઝરર, જનરલ સેક્રેટરી અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સહિત 15 પદ માટે આજે દિલ્હીમાં ચૂંટણી યોજાઈ હતી. કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા અનિતા શિયોરન અને ઉત્તર પ્રદેશ કુસ્તી મહાસંઘના ઉપાધ્યક્ષ સંજય સિંહ ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ પદ માટે ચૂંટણી લડ્યાં હતાં જેમાં સંજય સિંહને વધુ મત પ્રાપ્ત થતા તેઓ WFI ના પ્રમુખ તરીકે ચૂંટાયા છે.  સંજ્ય સિંહ બ્રિજભૂષણના ખાસ મિત્ર છે. જેના કારણે કુસ્તીબાજ સાક્ષી મલિકે નારાજગી વ્યક્ત કરી કુસ્તી છોડી દેવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: બ્રિજભૂષણના નજીકના ગણાતા સંજય સિંહ બન્યા ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ

Back to top button