અમદાવાદ, 21 ડિસેમ્બર 2023, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં થનારી ચર્ચા-તારણો સરકાર માટે ઉપયોગી બનશે એવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો.તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાને મિશન લાઇફ દ્વારા આપણા રોજબરોજના જીવનમાં પણ પાણી, વીજળી બચાવવા અને પર્યાવરણ જાળવણી સાથેની જીવનશૈલી અપનાવવાનો કોન્સેપ્ટ આપ્યો છે.તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે સુરતમાં ખુલ્લું મુકવામાં આવેલું ડાયમંડ બુર્સનું વર્લ્ડક્લાસ બિલ્ડિંગ પણ ઝીરો ડિસ્ચાર્જ ટેક્નિકનું ઉત્તમ ઉદાહરણ છે.
એક એક ટીપાથી હજારો લીટર પાણી બચાવી શકાય
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાતે તો ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે આયોજન, G20ની સફળતા, રણ પ્રદેશના ધોરડો જેવા નાના ગામને વર્લ્ડ બેસ્ટ ટૂરિઝમ વિલેજ બનાવવા જેવી સિધ્ધીઓ મેળવેલી છે. તેમણે પાણીનું એક પણ ટીપું વ્યય ન થાય અને ઉપલબ્ધ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ થાય તેને બિલ્ડર્સ, ઉદ્યોગકારો, પ્લમ્બિંગ સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓ સૌની સહિયારી જવાબદારી ગણાવી હતી. નળમાંથી ટપકતા એક એક ટીપાને અટકાવીને વર્ષે દિવસે હજારો લીટર પાણી બચાવી શકાય છે.
ગુજરાતમાં જળસંચય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી
લઘુ-સુક્ષ્મ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત વરસાદી પાણીના બચાવ અને જળસંચય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, વિશ્વના ત્રણ દેશોમાં જ ક્લાઈમેટ ચેન્જ વિભાગ કાર્યરત હતા, એવા સમયમાં મોદીએ ગુજરાતમાં આલાયદો ક્લાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો. વર્ષ 2014માં મોદીએ વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો ત્યારે દેશમાં લોકોના ઘરોમાં માત્ર 14% પાણીની લાઈનોના કનેક્શન હતા પરંતુ આજે ગુજરાત અને ભારતમાં મોટા ભાગના લોકોના ઘરોમાં પાણીની લાઈનોના કનેક્શન પહોંચાડાયા છે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં તળાવોને ઇન્ટરલીન્ક કરવાનું કામ ચાલી રહ્યું છે.
વોટર પ્લમ્બિંગનો કોર્સ શરૂ કરવાનું સૂચન પણ કર્યું
મંત્રી જગદીશ વિશ્વકર્માએ આઈ.ટી.આઈ જેવી સંસ્થાઓમાં વોટર પ્લમ્બિંગનો કોર્સ શરૂ કરવાનું સૂચન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નેશનલ પ્લમ્બિંગ કોન્ફરન્સમાં અહીંયા જે પણ એન્જિનિયર અને મહાનુભાવો ઉપસ્થિત છે તે તમામ આ ક્ષેત્રમાં નિષ્ણાત છે. પાણી બચાવવા અને અને ભવિષ્યમાં લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે તેમના સાર્થક પ્રયત્નો બદલ શુભેચ્છાઓ પાઠવું છું.આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે બી.ઓ. પ્રસન્ન કુમારને IPA લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ-૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો હતો. સાથોસાથ નોંધપાત્ર યોગદાન બદલ ડિસ્ટિંગવીશ પાર્ટનર એવોર્ડ પણ મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લાના સખી મંડળો દ્વારા નિર્મિત ફરસાણને ‘રેવા’ બ્રાન્ડથી વેચાણ કરાશે