જેટકોની ભરતી રદ થતાં ઉમેદવારો વિફર્યા, વડોદરામાં જેટકો કંપની પાસે સવારથી વિરોધ પ્રદર્શન
વડોદરા, 21 ડિસેમ્બર 2023, ગુજરાતમાં જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં જણાતા ભરતી જ રદ કરી દેવાતા વિભાગની ભૂલનો ભોગ ઉમેદવારો બન્યા છે. ભરતી રદ કરાતા ઉમેદવારો મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે. અગાઉ મેરીટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ જેટકોના ઓફિસ બાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ કર્યો હતો. જેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ વડોદરા સર્કલ ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ બહાર પહોંચી ગયાં છે.યુવરાજસિંહ સહિતના પાંચ ઉમેદવારોને જેટકો કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. હવે તેઓ જેટકોમાં રજૂઆત કરશે.
ઉમેદવારોના કંપની પાસે જોરજોરથી સુત્રોચ્ચાર
જેટકોમાં ભરતી રદ થતાં જ આજે સવારથી ઉમેદવારો કંપની પાસે જોરજોરથી સુત્રોચ્ચાર કરી રહ્યાં છે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વડોદરા જેટકોની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, અમે સરકારને રજૂઆત કરીએ છીએ જો અમારી માંગ નહીં સ્વીકારમાં આવે તો ચોક્કસ પણે ગાંધીનગર જઈને આદોલન, સત્યાગ્રહ, ભૂખ હડતાળ તમામ કરીશું. ત્યાર બાદ પણ માંગ નહીં સ્વીકારાય તો અમે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવ કરીશું. અમારે ન્યાય જોઈએ છે. આ ભરતીમાં અધિકારીઓની ભૂલ છે. અધિકારીઓની સુચના મુજબ જ ઉમેદવારોએ પરીક્ષા આપી છે.
વિદ્યાર્થીઓને હૈયાધારણા આપનાર કહે નિમણૂંક પત્રો ક્યારે મળશે
યુવરાજસિંહે વધુમા જણાવ્યું હતું કે, રાજ્યમાં ઘણા વિદ્યાર્થીઓએ સામાજીક પ્રસંગોમાં હાજરી આપીને કહેવા લાગ્યા હતા કે, ટૂંક સમયમાં અમારી સરકારી નોકરી લાગી જશે. ઘણા વિદ્યાર્થીઓ તો પોતાની સારી એવી પ્રાઈવેટ નોકરી છોડી દીધી હતી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની તમામ પ્રક્રિયા બાદ પાંચ દિવસમાં નિમણૂક પત્રો આપવાની વાત ઉર્જા વિભાગના MD દ્વારા કરવામાં આવી હતી. અમે હૈયા ધારણા માની હતી અને અમારી સાથે દગો થયો છે. અમને હૈયા ધારણા આપનારને કહીએ છીએ કે નિમણૂક પત્રો ક્યારે મળશે?
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરમાં વિદ્યાર્થીઓ લૂંટાયા!