ભારતીય ગૂગલ મેપ્સ યુઝર્સ હવે સરળતાથી એડ્રેસ શોધી શકશે
અમદાવાદ, 21 ડિસેમ્બર : તમે મુસાફરી દરમિયાન ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતા હશો તો તમારો અનુભવ ખૂબ જ ટૂંક સમયમાં બદલાઈ જવાનો છે. કંપની ભારતીય યુઝર્સ માટે એક સાથે અનેક નવા ફીચર્સ લાવી રહી છે. હવે યુઝર્સને ગૂગલ મેપમાં એક એવું ફીચર મળવા જઈ રહ્યું છે જે કાર કે બાઈકનું ઈંધણ બચાવશે.
ગૂગલ મેપના આગામી ફીચર્સ
જો તમે અન્ય શહેરોમાં ઘણી મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમે અન્ય શહેરોમાં સરળતાથી સરનામાં શોધી શકશો. વાસ્તવમાં ગૂગલ મેપ ભારતીય યુઝર્સ માટે કેટલાક નવા ફીચર્સ લાવી રહ્યું છે. હવે કંપની લોકેશન ઓળખવા અને એડ્રેસ શોધવા માટે AI ટૂલની સુવિધા આપવા જઈ રહી છે. આ આવનારા સાધનોની મદદથી, નેવિગેટ કરવાનું સરળ બની જશે, એટલું જ નહીં ગૂગલ તેના યુઝર્સને એક એવું ફીચર પણ આપવા જઈ રહ્યું છે જેનાથી વાહનમાં ઓઈલનો વપરાશ પણ ઓછો થશે.
ગૂગલ મેપમાં આવનારા ફીચર્સ યુઝર્સને નવો અનુભવ આપશે. ગૂગલે ONDC, વ્હેર ઈઝ માય ટ્રેન, નમ્મા યાત્રી જેવી સ્થાનિક એપ્સ સાથે પણ ભાગીદારી કરી છે જેથી કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ શેડ્યૂલ અને ટ્રેકિંગ ફીચર્સ યુઝર્સ માટે વધુ અનુકૂળ બને. આટલું જ નહીં, કંપની મુંબઈ, કોલકાતા જેવા શહેરોમાં દોડતી લોકલ ટ્રેનની સ્થિતિ જાણવા માટેના ફીચર્સ પર પણ કામ કરી રહી છે.
ગૂગલ મેપ્સમાં આવનારા કેટલાક નવા ફીચર્સ
Address descriptor
ગૂગલ મેપ્સમાં આવનારા નવા ફીચર્સની સૌથી મોટી ખાસિયત લેન્ડમાર્ક સપોર્ટ આપવાનું છે. ટેક્નોલોજીની દુનિયામાં તેને એડ્રેસ ડિસ્ક્રીપ્ટર કહેવામાં આવે છે. ગૂગલના જણાવ્યા અનુસાર, જો કોઈ તમારી સાથે કોઈપણ સ્થળનું લોકેશન શેર કરે છે, તો તમને નકશામાં તે લોકેશનની આસપાસ પાંચ મોટા લેન્ડમાર્ક્સ પણ દેખાશે. તેથી સરનામું શોધવામાં ખૂબ જ સરળ રહેશે.
Google Lensની વિશેષતાઓ
ગૂગલ ટુંક સમયમાં ગૂગલ લેન્સને ગૂગલ મેપમાં એન્ટીગ્રેટ કરવા જઈ રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે રસ્તા પરના કોઈપણ લોકેશનને સ્કેન કરી શકશે અને તે લોકેશન પરના રેસ્ટોરાં, હોટલ, સિનેમાઘરો વગેરે વિશે માહિતી મેળવી શકશે. જો તમને તે જગ્યાનું નામ ખબર ન હોય તો પણ આ ફીચર કામ કરશે. કંપની જાન્યુઆરી 2024માં આ ફીચરને રોલ આઉટ કરશે.
Live View Walking Navigation સુવિધા
લાઈવ વ્યુ વોકિંગ નેવિગેશન ફીચર ગુગલ મેપમાં બહુ જલ્દી ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. આ ફીચર ફોનના કેમેરાનો ઉપયોગ કરીને રોડનો લાઈવ વ્યૂ આપશે. જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો, ત્યારે તમને રસ્તા પર આવતા રિયલ ટાઇમ એરો પણ દેખાશે.
Fuel efficient સુવિધા
ગૂગલ તેના લાખો યુઝર્સને અત્યાર સુધીની સૌથી મોટી સુવિધા આપવા જઈ રહ્યું છે. ગૂગલ મેપ્સની મદદથી હવે તમે તમારા વાહનનું ઈંધણ બચાવી શકશો. મુસાફરી કરતી વખતે, ગૂગલ મેપનું આ ફીચર યુઝર્સને એવો રસ્તો અથવા રૂટ બતાવશે કે જેમાં ઓછો ટ્રાફિક હોય જેથી તમે ઓછા સમયમાં ઝડપથી તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકશો.
આ પણ વાંચો : Google 10 કરોડ લોકોને 63 કરોડ ડોલરનું કરશે વિતરણ