ચા મળવામાં વિલંબ થતાં પતિએ ગુસ્સામાં પત્નીની તલવાર વડે હત્યા કરી
ગાઝિયાબાદ (ઉત્તર પ્રદેશ), 20 ડિસેમ્બર: ગાઝિયાબાદમાં ચા મળવામાં વિલંબ થતાં પતિએ તેની પત્નીની તલવાર વડે હત્યા કરી નાખી. આ ઘટના ગાઝિયાબાદના મોદીનગર ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે હત્યાના આરોપમાં પતિની ધરપકડ કરી છે. આ ઉપરાંત હત્યામાં વપરાયેલ હથિયાર પણ મળી આવ્યું છે. પોલીસ દ્વારા પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ મૃતક મહિલા પર અનેકવાર હુમલા કર્યા હતા.
પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ
પોલીસે આપેલી માહિતી મુજબ, પત્નીને ઘણી વાર તલવારના ઘા ઝીંક્યા બાદ તેનું મૃત્યુ થયું હતું. હાલ પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જો કે, વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે તેવી ઘટના બનતા ચકચારી પામી છે. પોલીસે આરોપીની ઓળખ ધરમવીર તરીકે કરી છે. જ્યારે મૃતક મહિલાની ઓળખ સુંદરી તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જ્યારે ધરમવીરે સવારે તેની પત્ની સુંદરી પાસેથી ચા માંગી તો તેણે તેને કહ્યું કે ચા તૈયાર કરવામાં થોડો સમય લાગશે. આ પછી બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
પત્નીને તલવાર વડે હત્યા કરી નાખી
આ પછી પતિ ધરમવીરે પત્ની સુંદરીને ઢોર માર માર્યો. ત્યારબાદ ગુસ્સાથી લાલચોળ થઈને પતિએ પત્નીને તલવાર વડે હુમલો કર્યો. મહિલાની બૂમો સાંભળીને ગામલોકો તેના ઘરે દોડી આવ્યા અને પીડિતાને લોહીથી લથપથ હાલતમાં જોઈને તમામના હોશ ઉડી ગયા હતા. સહાયક પોલીસ કમિશનર (એસીપી) જ્ઞાન પ્રકાશ રાયે જણાવ્યું કે, ધરમવીરે સુંદરીના ગળા પર તલવાર વડે હુમલો કર્યો. તે શાકભાજી વેચતો હતો. પત્ની સુંદરી અને છ બાળકો સાથે રહેતો હતો. મંગળવારે સવારે સુંદરી ધાબા પર ચૂલા પાસે ચા બનાવવા બેઠી હતી. દરમિયાન આરોપી ત્યાં આવ્યો અને ચા માંગવા લાગ્યો. ચા બનાવવામાં મોડું થતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં ધરમવીરે નજીકમાં પડેલી તલવાર ઉપાડી અને સુંદરીની હત્યા કરી દીધી.
આ પણ વાંચો: અમૃતસરમાં પોલીસ સાથેની અથડામણમાં ગેંગસ્ટર અમૃતપાલ સિંહ ઠાર