ગાંધીનગર, 20 ડિસેમ્બર 2023, ગુજરાત સરકાર આગામી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીના અંતિમ તબક્કામાં છે. કોલિયર્સ ઈન્ડિયાએ ભારતના ઉત્પાદન ક્ષેત્રના વિકાસ અંગે એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં તેમણે અનુમાન લગાવ્યું છે કે વર્ષ 2025-26 સુધીમાં ભારતીય ઉત્પાદન બજાર 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે અને આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપે તેવી શક્યતા છે. કોલિયર્સે તેના અભ્યાસમાં એમ પણ કહ્યું છે કે ગુજરાતે વર્ષ 2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ મેળવ્યું છે. ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર મેન્યુફેક્યરિંગ’માં, ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા સ્થાને અને તમિલનાડુ ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો
ભારતના મેન્યુફેક્ચરિંગ હબ બનવાની યાત્રામાં ગુજરાતના યોગદાન વિશે કોલિયર્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એડવાઇઝરી સર્વિસિઝના વડા સ્વપ્નિલ અનિલે જણાવ્યું હતું કે, નવી ઔદ્યોગિક નીતિ હેઠળ, ગુજરાત ઉત્પાદન ક્ષેત્ર માટે લગભગ 34.7% પ્રોત્સાહનો અને લાભ ફાળવે છે અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો છે. ગુજરાતે 2023માં સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો પાસેથી 30,000 કરોડથી વધુનું રોકાણ મેળવ્યું છે.ગુજરાતમાં શ્રમિક વસ્તીમાં સૌથી નીચો બેરોજગારી દર 4% છે.જે નવા ઉદ્યોગોને તેમના વ્યવસાયો સ્થાપવા માટે આકર્ષે છે. આ ઉપરાંત બંદરો, કનેક્ટિવિટી, સ્થિર સરકાર, પોષણક્ષમ દરે જમીનની ઉપલબ્ધતા, ઝડપી નિર્ણયો, શ્રમ ઉપલબ્ધતા, વ્યવસાયો માટે સહાયક વાતાવરણ અને સહાયક વ્યાપારી નીતિઓએ ગુજરાતને આ રેસમાં મોખરે રાખ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટઃ વૈશ્વિક આર્થિક જોડાણ
છેલ્લા બે દાયકામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દેશમાં રોકાણ માટે સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટ તરીકે સ્થાપિત થઇ છે. આ સમિટ દ્વારા રાજ્ય સરકારે વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક જરૂરિયાતોને સમજીને તે મુજબ રાજ્યમાં સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો છે.ગુજરાત 50 કરોડના કેપિંગ સાથે પ્રોજેક્ટ ખર્ચના 40%ના ખર્ચે સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે.ગુજરાતે છેલ્લા છ મહિનામાં ઘણા MoU સાઇન કર્યા છે. ઓક્ટોબર 2023માં થયેલા MoUs પૈકી, ત્રણ MoUsનું સામૂહિક મૂલ્ય ₹ 3,000 કરોડ છે. આ MoU ટેક્સટાઈલ, ઔદ્યોગિક પાર્ક, એન્જિનિયરિંગ અને ઓટો ઈન્ડસ્ટ્રીઝ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવ્યા છે.
આઈટી ક્ષેત્રે પ્રખ્યાત ઉદ્યોગોએ ગુજરાતને પ્રાધાન્ય આપ્યું
ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર, એફએમસીજી અને આઈટી ક્ષેત્રે પ્રખ્યાત ઉદ્યોગોએ ગુજરાતને પ્રાધાન્ય આપ્યું છે. શ્રમિક સમુદાયો અને સરકાર વચ્ચેના સુમેળભર્યા સંબંધોના પરિણામે દેશમાં સૌથી ઓછી હડતાલ ગુજરાતમાં થાય છે. છેલ્લા છ ટર્મમાં ગુજરાતની શાસન સ્થિરતા રોકાણકારો અને ડેવલપર્સ માટે અનુકૂળ અને સલામત વાતાવરણ પૂરું પાડે છે. ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં મુખ્ય ઉભરતા ક્ષેત્રોમાં સેમિકન્ડક્ટર, એગ્રી-ટેક, વેસ્ટ મેનેજમેન્ટ ખાસ કરીને ઈ-વેસ્ટ, અદ્યતન તકનીકો, ટકાઉ પ્રેક્ટિસ, ઇન્ડસ્ટ્રી 4.0, સ્થાનિક ઉત્પાદન ફોકસ, AI એકીકરણ, 3D પ્રિન્ટીંગ અને IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) આધારિત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.