ટ્રેન્ડિંગવર્લ્ડ

ભારે પવન ફૂંકાતા વિમાન રન-વે પરથી આપમેળે દોડવા લાગ્યું, જૂઓ વીડિયો

Text To Speech

બ્યુનોસ એરેસ (આર્જેન્ટીના), 20 ડિસેમ્બર: દક્ષિણ અમેરિકન દેશ આર્જેન્ટિનામાં ખતરનાક વાવાઝોડું ત્રાટક્યું છે. આ વાવાઝોડાને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આ બધાની વચ્ચે 17 ડિસેમ્બરે બ્યુનોસ આયર્સ જ્યોર્જ ન્યૂબેરી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાનનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા છે. વાઇરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ખતરનાક તોફાની પવનોને કારણે વિમાન રન-વે પર તેની સ્થિતિથી 90 ડિગ્રી તરફ વળ્યું છે. રન-વે પર વિમાન ફરી વળતા પ્લેનમાં ચડવાની સીડીઓ પણ ચકનાચૂર થઈ ગઈ હતી.

વાઇરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, સૌપ્રથમ વિમાન પાર્ક કરેલી સ્થિતિમાં છે અને પવનનું જોર વધતાં તે હાલક-ડોલક થાય છે. ત્યારબાદ અચાનક જ 90 ડિગ્રીએ વળી જાય છે. વિમાન આપમેળે ચાલતા ત્યાં પ્લેન માટે રાખવામાં આવેલી સીડીને પણ ભારે નુકસાન પહોંચે છે. જો કે, સદનસીબે કોઈ મોટું નુકસાન થયું નથી. પરંતુ આ વાઇરલ વીડિયોને જોતા ચોક્કસથી લોકો આશ્ચર્યચકિત બન્યા છે.

આર્જેન્ટિનાની હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા એરપોર્ટ પર ખરાબ સ્થિતિ સર્જાઈ હતી . રાજધાનીથી માત્ર એક કિલોમીટર દૂર સ્થિત એરપોર્ટ પર તીવ્ર હવામાનની નોંધપાત્ર અસર થઈ હતી.જો કે, બોઇંગ પ્લેનને કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. જો કે, ત્યારબાદ આર્જેન્ટિના એરપોર્ટ ફ્લાઈટ રદ કરી હતી.

ઉરુગ્વે અને આર્જેન્ટિનામાં વાવાઝોડાએ તબાહી મચાવી

આર્જેન્ટિના અને તેના પડોશી દેશ ઉરુગ્વેમાં આવેલા પ્રચંડ વાવાઝોડાએ ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે અને આર્જેન્ટિનાની રાજધાનીમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તોફાન દરમિયાન, બ્યુનોસ આયર્સથી 40 કિલોમીટર દૂર મોરેનો શહેરમાં વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. ઉરુગ્વેમાં રવિવારે વહેલી સવારે વાવાઝોડું ત્રાટકતાં બે લોકો મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા: ગુલમર્ગમાં બરફની ચાદર પથરાઈ, જૂઓ વીડિયો

Back to top button