જો પૃથ્વી પરનો તમામ ગ્લેશિયર પીગળી જાય તો શું થશે?
અમદાવાદ, 20 ડિસેમ્બર : આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ એક મોટી સમસ્યા બની ગઈ છે. પૃથ્વીના વધતા તાપમાનના ઘણા કારણો છે. તેનું સૌથી મોટું કારણ પ્રદૂષણ છે. જેમ જેમ પ્રદૂષણ વધી રહ્યું છે તેમ તેમ પૃથ્વીનું તાપમાન પણ વધી રહ્યું છે. આથી પૃથ્વી પર અનેક પરિવર્તનો જોવા મળી રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં આના પરિણામો ખતરનાક સાબિત થઈ શકે છે.
ગ્લોબલ વોર્મિંગની સૌથી વધુ અસર પૃથ્વીના ગ્લેશિયર(હિમનદીઓ) પર પડી છે. આર્કટિક અને એન્ટાર્કટિકમાં સદીઓથી થીજી ગયેલો બરફ ઝડપથી પીગળવા લાગ્યો છે. આ સારા સમાચાર નથી. બરફ પીગળવાને કારણે સમુદ્રનું સ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે ઘણી જગ્યાએ જમીન પાણીમાં ગરકાવ થતી જાય છે. જો બરફ આ જ ઝડપે પીગળતો રહેશે તો ઘણા એવા દેશો છે જે થોડા સમય પછી નકશા પરથી ગાયબ થઈ જશે.
આ દેશો પર છે ખતરો
ગ્લેશિયર ઓગળવાને કારણે ઘણા દેશો પાણીમાં ડૂબી જશે. જો આ જડપથી ગ્લેશિયર્સ પીગળશે તો દરિયાની સપાટી 80 મીટર જેટલી ઊંચે આવી જશે. તેના કારણે જે દેશો દરિયાની સપાટીથી 80 મીટર નીચે છે તેઓ પાણીમાં ડૂબી જશે. જેમાં તુવાલુ, માલદીવ્સ, માર્શલ આઇલેન્ડ્સ, ધ ગેમ્બિયા, ધ બહામાસ, નૌરુ, વેટિકન સિટી, બર્મુડા અને નિયુ નામના દેશોનો સમાવેશ થાય છે. વેટિકન સિટી અને ધ ગેમ્બિયા સિવાય, અન્ય તમામ દેશો નાના ટાપુઓ છે, જે સમુદ્રની નીચે દટાઈ જશે.
ઘણા દેશોમાં પૂર આવશે
આ દેશો સિવાય પણ ઘણા દેશ એવા હશે જે પાણીમાં ડૂબી જવાથી નાશ નહીં પામે, પરંતુ ત્યાં પૂરની સ્થિતિ રહેશે. આમાં નેધરલેન્ડ, ડેનમાર્ક, કતાર, બહેરીન, બાંગ્લાદેશ, સિંગાપોર, સેનેગલ વગેરેનો સમાવેશ થાય છે. જો ભારતની વાત કરીએ તો દરિયાકાંઠાના કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. પરંતુ દ્વારકાની જેમ કોઈ પણ ભાગ સંપૂર્ણપણે ડૂબી જવાની શક્યતા નથી. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે પૃથ્વી પરનો તમામ બરફ પીગળતા ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ લાગશે. મતલબ કે આ દુર્ઘટના માટે હજુ ઘણો સમય બાકી છે.
આ પણ વાંચો : 2024માં ઈસરોના આ મોટા મિશન પર વિશ્વની નજર રહેશે