- રાજકોટ શહેરમાં છેલ્લા 80 દિવસમાં 73 લોકોના હાર્ટએટેકથી મોત
- નવસારીમાં યુવક કંપનીના ગેટ પર જ ઢળી પડયો હતો
- રાજકોટમાં 3, સુરતમાં 2 અને વડોદરા શહેરમાં 1 વ્યક્તિનું મોત
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી છ વ્યક્તિના મૃત્યુથી ચકચાર મચી છે. અચાનક દુઃખાવો ઉપડી મૃત્યુ થવાના કારણે સ્વજનોને સારવાર કરાવવાનો મોકો પણ મળ્યો નથી. રાજકોટમાં 3, સુરતમાં 2 અને વડોદરા શહેરમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ કમિશનર હસ્તક આવતી પીસીબી શાખામાંથી નવ પોલીસ કર્મચારીઓની તાત્કાલિક બદલી
નવસારીમાં યુવક કંપનીના ગેટ પર જ ઢળી પડયો હતો
નવસારીમાં યુવક કંપનીના ગેટ પર જ ઢળી પડયો હતો. શિયાળાની સિઝનમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી રાજ્યમાં છ વ્યક્તિના મોત નીપજ્યા છે. જેમાં રાજકોટમાં 3, સુરતમાં 2 અને વડોદરામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. જસદણના દહીંસરામાં રહેતા અને ખાનગી કંપનીમાં સફાઈ કોન્ટ્રાકટર ધરાવતાં જેરામભાઇ લક્ષ્મણભાઇ બારૈયા (ઉ.વ.52) કોઠારીયા ગામે મફ્તીયાપરામાં રહેતા ભત્રીજાને ત્યાં આંટો મારવા આવ્યા હતા. મોડી રાત્રે છાતીમાં દુઃખાવો થતો હોવાનું જણાવતા બેભાન થઇ ગયા હતા. તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવમાં સુંદરમ પાર્કમાં રહેતા જગદીશભાઇ દાનાભાઇ બોસીયા (ઉ.વ.42) સવારે ઘરે હતા ત્યારે છાતીમાં દુઃખાવો થતા બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ મૃત જાહેર કર્યા હતા. ત્રીજા બનાવમાં મુળ શિવધારાના હાલ ગોવિંદનગર પાસે રહેતા દેવાયતભાઈ નાગદાનભાઈ ધ્રાંગા (ઉ.વ.48) બેભાન થઈ ઢળી પડતાં હોસ્પિટલે લઈ જતા હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કર્યુ હતું.
આ પણ વાંચો: ગુજરાત: લોકોને લાલચ ભારે પડી, રૂ. 200 કરોડ ઉઘરાવનાર વૈભવ દુબઇ ભાગી ગયો
સુરતમાં બાઇક પર જતા ગોવાભાઇ ભૂરાભાઇ રબારીને હાર્ટ એટેક આવ્યો હતો
સુરતના પીપલોદ ખાતે આવેલા પ્રગતિનગરમાં રહેતા ગોવાભાઇ ભૂરાભાઇ રબારી (ઉં.વ. 40) સાંજે પાંચેક વાગ્યાના અરસામાં બાઈક લઈને ઉમરાગામ તિલક સર્કલ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં સાઈડ પર ઊભા રહી ગયા હતા. દરમિયાન તેઓ અચાનક ઢળી પડયા હતા. હોસ્પિટલ ખસેડાયા જ્યાં મૃત જાહેર કરાયા હતા. બીજા બનાવમાં નવસારીમાં ઘેલખડીની માધવપાર્કમાં રહેતા 28 વર્ષીય દિવ્યાંગકુમાર ગણપતભાઇ ટંડેલ સુરત સચિન જી.આઇ.ડી.સી.માં ખાનગી કંપનીમાં નોકરી કરી દરમિયાન સાંજના સમયે અચાનક ગભરામણ થતા સાથી કર્મચારી દ્વારા નજીકની હોસ્પિટલમાં લઇ જતી વેળા જ હોસ્પિટલના ગેટ પાસે દિવ્યાંગકુમાર ઢળી પડયો હતો. હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરાયા હતા. વડોદરાના કારેલીબાગ વિસ્તારની કુનિકા સોસાયટીમાં રહેતા નિવૃત્ત બેન્ક કર્મી 70 વર્ષીય જતીનભાઈ શાહ પાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલ ખાતે રાબેતા મુજબ સવારે સ્વિમિંગ કરવા આવ્યા હતા. સ્વિમિંગ કર્યા બાદ રેસ્ટ રૂમમાં જઈને તેઓ શાવર લઈ રહ્યાં હતા ત્યારે એકાએક જતીનભાઈ જમીન પર ઢળી પડયાં હતા. જેથી ત્યાં હાજર વ્યક્તિઓએ જતીનભાઈને સીપીઆર આપ્યું હતું. પરંતુ કોઈ રિસ્પોન્સ જણાતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર, રાજ્યમાં ઊગતા ન હોય તેવા પાકોની પણ હવે ખેતી થઇ
રાજકોટ શહેરમાં છેલ્લા 80 દિવસમાં 73 લોકોના હાર્ટએટેકથી મોત
રાજકોટ શહેરમાં 1 ઓક્ટોબરથી 19 ડિસેમ્બર એટલે કે 80 દિવસમાં 73 લોકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ નીપજ્યા છે જેમાં 16 વર્ષના તરૂણ, 20 અને 22 વર્ષના યુવકથી લઈને 62 અને 70 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે.