કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ધોરાજીમાં પ્લાસ્ટીકના કારખાનામાં આગ લાગી, ફાયર બ્રિગેડે ત્રણ કલાકે કાબુમાં લીધી

Text To Speech

રાજકોટ, 19 ડિસેમ્બર 2023, ધોરાજીમાં જૂનાગઢ રોડ પર સ્થિત સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ નામના પ્લાસ્ટિકના કારખાનામાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગી હતી. જેતપુર અને ધોરાજીના ફાયર વિભાગે સતત ત્રણ કલાક પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. કારખાના માલિકે આક્ષેપ કર્યો છે કે, નગરપાલિકામાં કોઈએ ફોન નહીં ઉપાડતાં રૂબરૂ બોલાવવા જવું પડ્યું હતું. જો વહેલી તકે ફાયરની ટીમ પહોંચી હોત તો કદાચ મોટું નુકસાન અટક્યું હોત.

સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધોરાજીમાં જૂનાગઢ રોડ પર આવેલ સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ નામના પ્લાસ્ટીકના કારખાનામાં મોડી રાત્રે શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા જેતપુર અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરની મદદ મેળવી સતત 3 કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.

ફાયર બ્રિગેડને બોલાવવા રૂબરૂ જવુ પડ્યુ
કારખાનાના માલિક કાંતિલાલે મીડિયાને જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે 3થી 4 વાગ્યાના અરસામાં અમારા માણસનો મને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, કારખાનામાં શોટસર્કિટ થવાના કારણે આગ લાગી છે. ફાયર વિભાગમાં ફોન કર્યા પણ કોઈ ઉપાડી રહ્યા ન હતા, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અમારા બીજા મિત્ર ફાયર વિભાગને રૂબરૂ જાણ કરવા પહોંચ્યા હતા. જો સમયસર ફાયર ટીમ આવી હોત તો મને જે 15થી 16 લાખનું અંદાજિત નુકસાન થયું છે તે અટકી શક્યું હોત.

આ પણ વાંચોઃ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી

Back to top button