અમદાવાદગુજરાતહેલ્થ

કેબિનેટ મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો આરંભ કરાવ્યો, 8.53 લાખ સ્પર્ધકો જોડાયા

Text To Speech

અમદાવાદ, 19 ડિસેમ્બર 2023, શહેરના સંસ્કારધામ પરિસરમાં રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટાપાયે સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની સાથે યોગને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ અને નવી શિક્ષણ નીતિ અનુસાર અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓને તેમણે ભાગ્યશાળી ગણાવ્યા હતા. આજના દિવસે ગુજરાતના ૧૩,૭૪૮ ગામડાઓ, નગરપાલિકાના ૧,૧૧૩ વોર્ડ અને મહાનગરપાલિકાના ૧૭૦ વોર્ડના કુલ ૮,૫૩,૩૮૫ સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

આપણી સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોએ સ્વીકારી
તેમણે કહ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.તાલુકા કક્ષાના વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે.જ્યારે જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકને ૨૦૨૪ના નવા વર્ષના પ્રથમ દિવસના પહેલા સૂર્ય કિરણના સમયે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. યોગની આપણી સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોએ સ્વીકારી છે.

યોગઅભ્યાસના પ્રચાર-પ્રસાર અર્થે સરકાર પ્રયત્નશીલ
તેમણે કહ્યું હતું કે, બાળપણથી જ વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય જાળવણી પ્રત્યે જાગૃતતા વધે તથા તમામ નાગરિકોની તંદુરસ્તી માટે જરૂરી એવા યોગઅભ્યાસના પ્રચાર-પ્રસાર અર્થે સરકાર સતત પ્રયત્નશીલ છે.યોગબોર્ડના ચેરમેન શીશપાલજીએ કહ્યું કે, આ સ્પર્ધા તેમના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનું પગલું સાબિત થશે. યોગ અભ્યાસથી સ્વસ્થ રહેનાર વ્યક્તિ રાષ્ટ્રના વિકાસમાં પણ ઉત્તમ યોગદાન આપી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા

 

Back to top button