ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અડવાણી-મુરલી મનોહર જોશી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠામાં હાજર નહીં રહે

  • અડવાણી-મુરલી મનોહર જોશીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ન આવવા વિનંતી કરી છે: ચંપત રાય

અયોધ્યા, 19 ડિસેમ્બર : અયોધ્યામાં રામ મંદિરમાં તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ માટે રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અનેક મહાનુભવોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મુરલી મનોહર જોશી અને લાલ કૃષ્ણ અડવાણી સ્વાસ્થ્ય અને ઉંમર સંબંધિત કારણોસર પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં હાજર રહી શકશે નહીં. બંને વૃદ્ધ છે તેથી તેમની ઉંમરને ધ્યાનમાં લઈને તેમને ન આવવા વિનંતી કરવામાં આવી છે, જે બંનેએ સ્વીકારી છે.”

 

ચંપત રાયે મુરલી મનોહર જોશી સાથે કરી વાત

રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ‘અડવાણીજીની હાજરી ફરજિયાત છે, પરંતુ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેઓ પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી ન આપે તેવી વિનંતી છે.’ લાલકૃષ્ણ અડવાણી વિશે વાત કર્યા પછી ચંપત રાયે મુરલી મનોહર જોશી વિશે કહ્યું કે, “મેં પોતે ડૉ. મુરલી મનોહર જોશી સાથે વાત કરી છે. હું તેને ફોન પર ન આવવાનું કહેતો રહ્યો અને તે હું આવીશ તેવી જીદ કરતા રહ્યા. હું ગુરુજીને વારંવાર ન આવવા વિનંતી કરતો રહ્યો કે તમારી ઉંમર અને તબિયત… તમે હમણાં જ ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે.”

કલ્યાણ સિંહ સાથે જોડાયેલી ઘટનાનો કર્યો ઉલ્લેખ

કલ્યાણ સિંહ સાથે જોડાયેલી એક જૂની ઘટનાનો ઉલ્લેખ કરતા ચંપત રાયે કહ્યું કે, “5 ઓગસ્ટે રામ મંદિરના શિલાન્યાસ સમયે કલ્યાણ સિંહે આગ્રહ કરવાનું શરૂ કર્યું હતું કે તેઓ ચોક્કસ આવશે. પરંતુ મેં તેમના (કલ્યાણ સિંહના) પુત્રને કહ્યું કે હા-હા કહેતા રહો અને આ અંગે છેલ્લા દિવસે વિચાર કરવામાં આવશે અને છેલ્લા દિવસે અમે તેમને કહ્યું કે તમારા સ્વાસ્થ્યને કારણે તમારે આવવાની જરૂર નથી. તેમણે આ વાત સ્વીકારી.

પીએમ મોદી ઉપરાંત કયા મહેમાનો રહેશે હાજર?

ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મુખ્ય યજમાન તરીકે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના છે. આવી સ્થિતિમાં વહેલી તકે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. ચંપત રાયે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રામ મંદિરને લઈને ઘણી માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે “પીએમ મોદી બરાબર 11 વાગે રામજન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ અમે ભગવાન રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે મંદિરમાં 11:30 સુધીમાં પહોંચી જઈશું.

ચંપત રાયે વધુમાં કહ્યું કે, ‘લોકોને પ્રાણપ્રતિષ્ઠાના બીજા જ દિવસે એટલે કે 23 જાન્યુઆરીથી ભગવાન રામના દર્શન કરવાની છૂટ આપવામાં આવશે. મંદિરના ઉદ્દઘાટન પ્રસંગે પીએમ મોદી, સર સંઘચાલક મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ અને તમામ ટ્રસ્ટીઓ રામ મંદિરના પ્રાંગણમાં હાજર રહેશે. આ ઉપરાંત અન્ય ઘણા મહાનુભાવો પણ રામ મંદિરના ઉદ્દઘાટન કાર્યક્રમના સાક્ષી બનશે.

ત્રણ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે : ચંપત રાય

ચંપત રાયના જણાવ્યા અનુસાર, “અયોધ્યાના કારસેવકપુરમમાં રાત્રી આશ્રય શયનગૃહમાં 1000 લોકોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત પતરાના વિશેષ શેડમાં 850 લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. ધર્મશાળા અને અન્ય સ્થળોએ 600 રૂમ મળ્યા છે. એવી અપેક્ષા છે કે, આ સંખ્યા વધીને 1000 રૂમની થઈ જશે.”

આ પણ જુઓ :સુરતમાં રામ મંદિરની થીમ પર 5 હજાર હીરા, 2 કિલો ચાંદીનો નેકલેસ બનાવવામાં આવ્યો

Back to top button