- 2024ની હરાજીમાંથી પોતાના નામ પરત ખેંચ્યા
- ઈંગ્લેન્ડના સ્ટાર લેગ સ્પિનર રેહાન અહેમદ નહીં રમે
- બાંગ્લાદેશમાં ફાસ્ટ બોલર તસ્કીન અહેમદ અને શૌરીફુલ ઇસ્લામ પણ નહીં રમે
નવી દિલ્હી, 18 ડિસેમ્બર : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટેની મીની હરાજી આવતીકાલે (19 ડિસેમ્બર) દુબઈમાં યોજાવા જઈ રહી છે. આ હરાજી બપોરે 1 વાગ્યે શરૂ થશે, જેમાં 215 અનકેપ્ડ ખેલાડીઓ સહિત કુલ 333 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. પરંતુ આ હરાજીના એક દિવસ પહેલા જ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર લેગ સ્પિન ઓલરાઉન્ડર રેહાન અહેમદે આઈપીએલની હરાજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેમના સિવાય બાંગ્લાદેશ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર તસ્કીન અહેમદ અને શૌરીફુલ ઈસ્લામે પણ આઈપીએલની હરાજીમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા છે.
રેહાન આવતા વર્ષે ભારત આવશે
ESPNcricinfo ના ન્યૂઝ અનુસાર, મિસ્ટ્રી સ્પિનર રેહાને ટૂંકી નોટિસ આપ્યા બાદ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ 22 થી 30 મે સુધી ઘરઆંગણે પાકિસ્તાન સામે T20 શ્રેણી રમશે. પરંતુ ઈંગ્લેન્ડ બોર્ડે કહ્યું કે તેના ખેલાડીઓ આઈપીએલ માટે ઉપલબ્ધ રહેશે. ઈંગ્લેન્ડ ટીમના હેરી બ્રુક, ફિલ સોલ્ટ, ક્રિસ વોક્સ અને આદિલ રાશિદ ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓમાં સામેલ છે જેમને હરાજીમાં સામેલ કરવામાં આવશે. પરંતુ આ દરમિયાન 19 વર્ષના રેહાને આઈપીએલની હરાજીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
ઉલ્લેખનીય છે કે, રેહાનને આવતા વર્ષની શરૂઆતમાં ભારતના પ્રવાસ પર આવવાનું છે, જ્યાં તેણે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. આ પછી, જો તે IPL રમે છે તો તેને લગભગ 2 મહિના સુધી દેશની બહાર રહેવું પડશે. પરંતુ ઈંગ્લેન્ડ બોર્ડ નથી ઈચ્છતું કે રેહાન આટલી નાની ઉંમરમાં આટલા લાંબા સમય સુધી ઘરથી દૂર રહે.
ક્યાં કારણોસર બંને બાંગ્લાદેશી ખેલાડીઓ પણ બહાર છે ?
બીજી તરફ બાંગ્લાદેશ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર તસ્કીન અહેમદ અને શૌરીફુલ ઈસ્લામે પણ આઈપીએલની હરાજીમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા છે. તેનું કારણ એ છે કે બાંગ્લાદેશને માર્ચ અને એપ્રિલ દરમિયાન ઘરઆંગણે શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામે શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં આ ખેલાડી IPL રમી શકશે નહીં.