કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતધર્મવિશેષ

રામકૃષ્ણ મિશને એક વર્ષમાં સેવાકાર્યો પાછળ રૂ. 1171 કરોડ કરતાં વધુ ખર્ચ કર્યો

  • વિવેકાનંદ સેન્ટેનરી કૉલેજ, રાહરા, કોલકાતાને A++ દરજ્જો પ્રાપ્ત થયો
  • કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ સાયન્સ તેમજ મારુતિ કૉલેજ ઑફ ફિજિકલ એજ્યુકેશન, કોઇમ્બતુરને A+ દરજ્જો મળ્યો
  • ગુજરાતમાં ભુજ, તામિલનાડુમાં ચેન્ગમ અને તેલંગાણામાં ભુવનગીરી ખાતે રામકૃષ્ણ મઠના નવાં શાખાકેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં
રાજકોટ, 18 ડિસેમ્બરઃ સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત સંસ્થા રામકૃષ્ણ મિશન તેની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તા. ૧૭ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ સંસ્થાના મુખ્યાલય બેલુર મઠ, કોલકાતા ખાતે યોજાયેલી ૧૧૪મી વાર્ષિક સાધારણ સભામાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સુવિરાનંદજીએ જણાવ્યું કે સંસ્થાના ભારતમાં સ્થિત ૨૨૪ કેન્દ્રો તેમજ પેટાકેન્દ્રો દ્વારા કુલ રૂ. ૧૧૭૧.૬૧ કરોડના ખર્ચે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ પૈકી રૂ. ૫૯૪.૫૩ કરોડ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રૂ. ૪૧૨.૦૮ કરોડ તબીબી  પ્રવૃત્તિઓ, ૧૦૧.૫૪ કરોડ ગ્રામ્યવિકાસ પ્રવૃત્તિઓ તથા બાકીની રકમ રાહત અને પુનર્વસન, જનકલ્યાણ તેમજ સાહિત્ય-પ્રકાશનની પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરવામાં આવ્યાં.
રામકૃષ્ણ મિશન - HDNews
રામકૃષ્ણ મિશન- Photo by:રામકૃષ્ણ મિશન
રાજકોટસ્થિત રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સંસ્થાના અનેક કેન્દ્રોને વિવિધ પુરસ્કાર તથા સ્વીકૃતિઓ પ્રાપ્ત થઈ. ગાંધી સ્મારક સંગ્રહાલય, બરાકપુર, કોલકાતાએ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનને તેમની સેવાકીય પ્રવૃત્તિઓની સ્વીકૃતિ બદલ મહાત્મા ગાંધી મેમોરિયલ એવોર્ડ એનાયત કર્યો. National Assessment and Accreditation Council (NAAC) દ્વારા વિવેકાનંદ સેન્ટેનરી કૉલેજ, રાહરા, કોલકાતાને A++ દરજ્જો અને કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ સાયન્સ તેમજ મારુતિ કૉલેજ ઑફ ફિજિકલ એજ્યુકેશન, કોઇમ્બતુરને A+ દરજ્જો પાંચ વર્ષ માટે એનાયત કરવામાં આવ્યો.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના National Institutional Ranking Framework (NIRF) દ્વારા સંસ્થાની ચાર કૉલેજો—વિદ્યામંદિર (સારદાપીઠ, બેલુર) – ૧૫મો ક્રમ, વિવેકાનંદ સેન્ટેનરી કૉલેજ (રાહરા, કોલકાતા) ૮મો ક્રમ, રેસિડેન્શિયલ કૉલેજ (નરેન્દ્રપુર, કોલકાતા) – ૧૯મો ક્રમ, આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ (કોઇમ્બતુર)ને ૭૧મો ક્રમ આપવામાં આવ્યો. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-RKMVERI (માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી)-બેલુર, હાવરા, પશ્ચિમ બંગાળના નરેન્દ્રપુર (કોલકાતા) ઑફ-કેમ્પસ સેન્ટરને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR)– ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મિંગ સિસ્ટમ્સ રિસર્ચ, મોદીપુરમ્, મેરઠ દ્વારા ઓર્ગેનિક ફાર્મિંગ પર ઓલ ઇન્ડિયા નેટવર્ક પ્રોગ્રામનું શ્રેષ્ઠ કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ મિશન વિદ્યામંદિર, નરેન્દ્રપુરના વિદ્યાર્થીએ પશ્ચિમ બંગાળની ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પરીક્ષામાં ૯૯.૨ % સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. માલદા (પશ્ચિમ બંગાળ)ની ઉચ્ચતર માધ્યમિક શાળાને ભારત સરકારના શિક્ષા મંત્રાલય અંતર્ગત સ્કૂલ એજ્યુકેશન અને સાક્ષરતા વિભાગ તરફથી જિલ્લાકક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર પ્રાપ્ત થયો.
‘Blind Boys’ અકાદમી, નરેન્દ્રપુર, કોલકાતાએ તેના બ્રેઇલ પ્રેસ માટે રાજ્યકક્ષાનો ‘Empowerment of Persons with Disabilities’ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. દેહરાદૂનસ્થિત વિવેકાનંદ નેત્રાલય (આંખની હોસ્પિટલ)ને એન્ટ્રી લેવલ – સ્મોલ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ 2 વર્ષ માટે NABH પ્રમાણપત્ર પ્રાપ્ત થયું. મૈસુર આશ્રમને તેની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ રાજ્યકક્ષાનો ‘અમૃત મહોત્સવ’ પુરસ્કાર પ્રાપ્ત થયો.
આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી જિલ્લામાં સાહુડાંગી હાટ ખાતે રામકૃષ્ણ મિશનનું નવું શાખાકેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. તેમજ ગુજરાતમાં ભુજ, તામિલનાડુમાં ચેન્ગમ અને તેલંગાણામાં ભુવનગીરી ખાતે રામકૃષ્ણ મઠના નવાં શાખાકેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં.
ભારત બહારના કેન્દ્રોની વાત કરીએ તો બલીઆટી કેન્દ્ર, બાંગ્લાદેશ ખાતે શ્રીરામકૃષ્ણ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું. અમેરિકાના શિકાગો કેન્દ્રે તેના નવા એકમ ‘Home of Harmony’નું ઉદ્ઘાટન કર્યું. બે રવિવારીય શાળાઓ – એક કોલંબો કેન્દ્રમાં અને બીજી બટ્ટીકલોઆ – ને શ્રીલંકા સરકારના હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા શ્રેષ્ઠ રવિવારીય શાળાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ભારતની બહાર અન્ય ૨૪ દેશોમાં આવેલાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સાથે આનુષંગિક અને પેટા આનુષંગિક ૯૬ કેન્દ્રો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી.
Back to top button