ગાંધીનગર, 18 ડિસેમ્બર 2023, ગુજરાતમાં સરકારી વિભાગોમાં મંત્રીઓની સરપ્રાઈઝ વિઝીટથી અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. થોડા સમય અગાઉ કૃષિમંત્રી રાઘવજી પટેલે કૃષિ ભવન ખાતે સરપ્રાઇઝ વિઝીટ કરી હતી. ત્યારે હવે ગૃહવિભાગમાં ખુદ ગૃહમંત્રીએ અચાનક મુલાકાત લેતાં અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે અચાનક ગાંધીનગરમાં ગૃહવિભાગની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી.
ટકોર કરવાને બદલે સમયપાલન અને સ્વચ્છતાની તાકીદ કરી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ગાંધીનગરમાં વિભાગની ઓફિસો ખુલે તે પહેલાં જ બહાર ઉભા થઈ ગયાં હતાં. હર્ષ સંઘવીને ઓચિંતી મુલાકાત લેતા જોઈને મોડા આવતાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તેમણે કોઈપણ અધિકારીને ટકોર કરવાને બદલે સમય પાલન અને સ્વચ્છતા અંગેની સૂચનાઓ આપી હતી. તાજેતરમાં હર્ષ સંઘવીએ રાજ્યના એસટી બસ સ્ટેશનો પર ગંદકી મામલે સૂચનાઓ આપી હતી. તેમણે બસોમાં પણ સ્વચ્છતા રાખવા માટે તાકિદ કરી હતી. ત્યાર બાદ તેઓ ત્યાંથી રવાના થયા હતાં.
અધિકારીઓ મોડા આવતા હોવાની અનેક ફરિયાદો
સામાન્ય રીતે સરકારી વિભાગોમાં અધિકારીઓ મોડા આવતા હોવાની અનેક ફરિયાદો મંત્રીઓ સુધી પહોંચી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની બીજી ટર્મમાં ખુદ મંત્રીઓ એક્શનમાં આવી ગયાં છે. હવે કોઈ પણ અધિકારીની લોલમલોલ ચાલી શકે એમ નથી એવો સંદેશો ખુદ મંત્રીઓ આપી રહ્યાં છે. કારણ કે મંત્રીઓને પણ લોકસંપર્કમાં જવા માટે બે દિવસ ફાળવવામાં આવ્યાં છે.તેમની કેબિનમાં આવતાં લોકોનો ફોન પણ બહાર મુકીને અંદર જવું પડે છે. ત્યારે હર્ષ સંઘવીએ આજે અચાનક તેમના વિભાગમાં રેડ પાડતાં જ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. તેમણે અધિકારીઓને સમય પાલન અને સ્વચ્છતા રાખવા અંગે સલાહ આપી હતી.
આ પણ વાંચોઃસિદ્ધપુરમાં આંગડિયા પેઢીનો માલિક લૂંટાય તે પહેલાં પોલીસે 6 શખ્સોને પકડી લીધા