ગુજરાત

ગણેશોત્સવને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, શ્રીજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર

Text To Speech

અષાઢ મહિનાની શરુઆત થતા જ તહેવારની પણ શરૂઆત થઈ જાય છે. કુમારીકાઓ દ્વારા આજથી ગૌરીપુજન કરવામાં આવશે, જે બાદ શ્રાવણમાં ભોળેનાથની પૂજા અને ભાદરવામાં ગણેશોત્સવ શરૂ થશે. જો કે, બે વર્ષથી કોરોનાકાળ હોવાથી ગણેશોત્સવ દરમિયાન ગુજરાત સરકારે કેટલાક પ્રતિબંધ લગાવ્યા હતા. જો કે હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને ગણેશોત્સવ દરમિયાન લાગેલા પ્રતિબંધોને હટાવ્યા છે. આગામી ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. ર૦ર૧ના ગણેશોત્સવમાં કોવિડ-19 ની સ્થિતીને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી. તદ્દઅનુસાર, જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં ૪ ફૂટની ઊંચાઇ તથા ઘરમાં ર ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત કરવામાં આવી હતી.

જો કે હવે કોરોનાની અસર ઓછી થતા તમામ નિયંત્રણો અમલમાં નહીં રહે તેવો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇ સંબંધે કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે. જો કે, ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

Back to top button