વિદ્યાર્થીઓ પાસે સેપ્ટિક ટાંકી સાફ કરવા બદલ શાળાના આચાર્ય અને શિક્ષકની ધરપકડ
- શાળાના વિદ્યાર્થીઓ પાસે સેપ્ટિક ટાંકી સાફ કરાવી
- વાલીઓને જાણ થતાં ભારે હોબાળો મચાવ્યો
- તમામ બાળકો અનુસૂચિત સમુદાયના હોવાનું કહેવાય છે
બેંગલુરુ (કર્ણાટક), 18 ડિસેમ્બર: કર્ણાટકની એક શાળામાં વિદ્યાર્થીઓને સેપ્ટિક ટાંકીને સાફ કરાવવા બદલ આચાર્ય અને બે શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ચાર કોન્ટ્રાક્ટ સ્ટાફને નોકરીમાંથી બરતરફ કરાયા છે. આ ઘટના કોલાર જિલ્લાના માલુર તાલુકાની મોરારજી દેસાઈ રેસિડેન્શિયલ સ્કૂલમાં બની હતી. આ શાળામાં ધોરણ 6 થી 10 સુધી કુલ 243 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આરોપ છે કે પ્રિન્સિપાલ અને શિક્ષકે 4 થી 5 બાળકોને પોતાના હાથથી સેપ્ટિક ટાંકી સાફ કરાવડાવી, જે કાયદેસરનો ગુનો છે.
CM સિદ્ધારમૈયાએ આ અંગે રિપોર્ટ મંગાવ્યો
રાજ્યના નિવાસી શાળાના નિયામક નવીન કુમાર અને સમાજ કલ્યાણ વિભાગના સંયુક્ત નિયામક શ્રીનિવાસે શાળા વિરુદ્ધ પગલાં લીધા હતા. ત્યારબાદ શાળાના આચાર્ય ભરથમ્મા, શિક્ષક મુનિયપ્પા, હોસ્ટેલ વોર્ડન મંજુનાથ અને ગેસ્ટ ટીચર અભિષેકને સસ્પેન્ડ કર્યા છે. આ અંગે વાલીઓેને જાણ થતાં હોબાળો મચાવ્યો હતો અને સત્તાધીશો સામે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, તમામ બાળકો અનુસૂચિત સમુદાયના હોવાનું કહેવાય છે. બીજી તરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને આ ઘટના અંગે વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે.
આચાર્ય અને શિક્ષકની કરાઈ ધરપકડ
મુખ્યમંત્રીની દરમિયાનગીરી બાદ પ્રિન્સિપાલ ભરતમ્મા અને શિક્ષક મુનિયપ્પાની ધરપકડ કરાઈ છે. જોકે આચાર્ય ભરતમ્માએ દાવો કર્યો હતો કે તે સેપ્ટિક ટાંકી નથી, પરંતુ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે બાળકો સફાઈ કરવા ચેમ્બરમાં પ્રવેશ્યા હતા. પરંતુ અન્ય શિક્ષકોનું કહેવું છે કે તે એક સેપ્ટિક ટેન્ક છે. વાલીઓ હવે પ્રશ્ન કરી રહ્યા છે કે તેમના બાળકોને ચેમ્બરમાં શા માટે નીચે ઉતારવા જોઈએ. બીજી તરફ, આ જ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આકરી સજા આપતો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને પીઠ પર સ્કૂલ બેગ લઈને મેદાનમાં ચાલવાની સજા થઈ રહી છે. આ દરમિયાન એક વિદ્યાર્થી બેભાન પણ થઈ ગયો હતો.
બપોર સુધીના અગત્યના સમાચાર જોવાનું ચૂકશો નહીં, HD News ટૉપ-10
તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરાશે
એચસી મહાદેવપ્પાએ કહ્યું કે સફાઈનું કામ નિયુક્ત કરાયેલા કામદારો દ્વારા જ કરાવવામાં આવવું જોઈએ. તેમણે અમાનવીય વર્તન માટે આચાર્ય અને વોર્ડનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આવી સફાઈ માટે માનવ શ્રમનો ઉપયોગ કરવો યોગ્ય નથી, પછી તે બાળકો હોય કે અન્ય કોઈ. તે અક્ષમ્ય ગુનો છે. વિભાગ દ્વારા વધુ તપાસ કરીને કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો: લંડનમાં ભારતીય વિદ્યાર્થી ગુમઃ BJP નેતાએ એસ જયશંકરને મદદ માટે અપીલ કરી