ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુમાં વરસાદના કારણે જનજીવન ખોરવાયું, કેટલાક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ

ચેન્નઈ (તમિલનાડુ), 18 ડિસેમ્બર: તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુ સરકારે સોમવારે ભારે વરસાદને કારણે તિરુનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો, ખાનગી સંસ્થાઓ, બેન્ક અને નાણાકીય સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. થૂથુકુડીમાં વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. તેમજ, કોવિલપટ્ટી વિસ્તારમાં 40 તળાવો તેમની પૂર્ણ ક્ષમતાએ પહોંચી ગયા છે.

IMDએ ભારે વરસાદની શક્યતા કરી

IMD અનુસાર, 18 અને 19 ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી, રામનાથપુરમ, પુડુકોટ્ટઈ અને તંજાવુર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.  IMDની આગાહી અનુસાર, 19 ડિસેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એક કે બે જગ્યાએ વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે. સ્થિતિ એટલી ખરાબ બની છે કે, થૂથુકુડી ખાતેનું રેલ્વે સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે.

NDRF અને SDRFના 250 જવાન તૈનાત

હિંદ મહાસાગર નજીક તમિલનાડુના તટીય વિસ્તાર કેપ કોમરિન પર ચક્રવાતી પરિભ્રમણની રચનાને કારણે દક્ષિણના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. પલયમકોટ્ટાઈમાં રવિવારે સાંજે 5:30 વાગ્યા સુધી 260 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સોમવારે સવારે 26 સેમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ કન્યાકુમારીમાં 17 સેમી વરસાદ નોંધાયો હતો.જ્યારે થુથુકુડી જિલ્લામાં શ્રીવૈકુંતમ તાલુકામાં 525 મીમી વરસાદ નોંધાયો છે. તુતીકોરિન જિલ્લાના તિરુચેન્દુરમાં માત્ર 15 કલાકમાં બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું.

કોવિલપટ્ટીમાં નદીઓ અને તળાવો છલકાઈ રહ્યાં છે. બે તળાવો છલકાયા છે અને તેના સમારકામની કામગીરી ચાલી રહી છે. પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને NDRF, SDRFના 250 જવાનોને કન્યાકુમારી, તિરુનેલવેલી, તુતીકોરિન અને તેનકાસી જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે.

સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે

તમિલનાડુ સરકારે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. તમિલનાડુના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી, કેકેએસએસઆર રામચંદ્રને જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિવિધ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. રામચંદ્રને કહ્યું, સાવચેતીના ભાગરૂપે, 250 સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને કન્યાકુમારી, તિરુનેલવેલી, તુતીકોરિન અને તેનકાસી જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  ‘તમિલનાડુથી કાશી આવવું એટલે મહાદેવના એક ઘરથી બીજા ઘરે આવવું’ : PMનું નિવેદન

Back to top button