બિહારમાં પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા AIનો કરાયો ઉપયોગ
પટણા, 17 ડિસેમ્બર: બિહારમાં પરીક્ષામાં ગેરરીતિ થતી અટકાવવા એક અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. બિહાર પોલીસ સબોર્ડિનેટ સર્વિસિસ કમિશન (BPSSC)ની પરીક્ષા દરમિયાન ચોરી થતી અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ પરીક્ષામાં થતી ગેરરીતિના કેસો ઘટાડવાનો હતો. આ પરીક્ષા બે પાળીમાં યોજાઈ હતી. જેમાં લગભગ 6 લાખ 60 હજાર જેટલા ઉમેદવારોએ પ્રારંભિક સ્તરની પરીક્ષા આપી હતી.
17 ડિસેમ્બરે યોજાયેલી પરીક્ષામાં સબ-ઇન્સપેક્ટરની 1275 જગ્યાઓ પર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. BPSSCના ચેરમેન કે એસ દ્વિવેદીએ માહિતી આપી હતી કે, BPSSC રાજ્યના તમામ 38 જિલ્લાઓમાં તમામ 613 કેન્દ્રોમાં પરીક્ષા દરમિયાન છેતરપિંડી શોધવા અને અટકાવવા માટે AI-સંચાલિત સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો. નોંધનીય છે કે, AI સંચાલિત સિસ્ટમ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પર નજર રાખવા માટે ચહેરાની ઓળખ, આંખનું ટ્રેકિંગ અને અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરી શકે છે.
બિહારમાં પરીક્ષા દરમિયાન 16,500 સીસીટીવી કેમેરાની મદદથી તમામ કેન્દ્રોના પરીક્ષાર્થીઓ, નિરીક્ષકો, સંચાલકો અને એક્ઝિટ-એન્ટ્રી ગેટ પર નજર રાખવામાં આવી. અગાઉ કે એસ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવાર પરીક્ષામાં ગેરરીતિ કરતો અથવા તો ગેરવર્તણૂકમાં સંડોવાયેલો જણાશે તો તે આગામી ત્રણ વર્ષ સુધી કમિશનની પરીક્ષામાં બેસી શકશે નહીં.
આ પણ વાંચો: બિહારઃ છ દિવસથી લાપતા પૂજારીનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળતાં હાહાકાર