ગુજરાત, 17 ડિસેમ્બરઃ સસ્તુ સરકારી સોનું ખરીદવાની સુવર્ણ તક આવી છે. સોવરેન ગોલ્ડ બૉન્ડ 2023-24ની ત્રીજી સિરીઝ આવતીકાલ 18મી ડિસેમ્બર એટલે કે સોમવારથી ખુલશે. આ યોજનાની ત્રીજી સિરિઝ માટે એક ગ્રામ સોનાની કિંમત 6,199 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કિંમત બજાર કરતા સાવ ઓછી છે. જો કે, આ યોજનામાં તમે 22 ડિસેમ્બર સુધી સરકારી ગોલ્ડ બોન્ડની આ સિરિઝમાં રોકાણ કરી શકો છો. આ યોજનાની ખાસ વાત એ છે કે, ગોલ્ડ બોન્ડ માટે ઑનલાઈન અરજી કરી ડિજિટલ પેમેન્ટ કરતા રોકાણકારને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. તો ચાલો જાણીએ સોવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં કેવી રીતે રોકાણ કરી શકાય?
સોવરેન ગોલ્ડ બૉન્ડ શું છે?
સોવરેન ગોલ્ડ બૉન્ડ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે. આ રીતે તેની સોવરેન ગેરંટી છે. આ બોન્ડ એક ગ્રામ સોનાનું છે. સોવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવાનો અર્થ એ છે કે તમે 24 કેરેટ સોનામાં નાણાંનું રોકાણ કરી રહ્યા છો. તેની કિંમતો પણ બજાર કિંમતના આધારે બદલાતી રહે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ યોજના થકી રોકાણકારને વાર્ષિક 2.50 ટકા વ્યાજ પણ મળે છે.
તમે કેટલું સોનું ખરીદી શકો છો?
કોઈપણ વ્યક્તિ સોવરેન ગોલ્ડ બૉન્ડ દ્વારા નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 1 ગ્રામ અને મહત્તમ 4 કિલો સોનામાં નાણાનું રોકાણ કરી શકે છે. તેવી જ રીતે કોઈ ટ્રસ્ટ સોવરેન ગોલ્ડ બૉન્ડ દ્વારા 20 કિલો સોનું ખરીદી શકે છે. આ ગોલ્ડ બૉન્ડ ડીમેટ સ્વરૂપે રાખી શકાય છે. આનાથી તે સુરક્ષિત રહે છે અને ચોરીની ચિંતા રહેતી નથી. બેંક શાખાઓ, પોસ્ટ ઓફિસ, સ્ટોક એક્સચેન્જ (BSE અથવા NSE) અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (SHCIL) દ્વારા સોવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરી શકાય છે. આ સ્કીમ માટે એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ તમારા ખાતામાંથી પૈસા ડેબિટ કરવામાં આવશે અને આ બોન્ડ તમારા ડીમેટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
8 વર્ષમાં 128.5% વળતર
જો તમે નવેમ્બર 2015માં શરૂ થયેલી ગોલ્ડ બોન્ડ સિરીઝમાં નાણાંનું રોકાણ કર્યું હોત, તો તમને નવેમ્બર 2023માં 128.5 ટકા વળતર મળ્યું હોત. આ સિરિઝ 30મી નવેમ્બરે પરિપક્વ થઈ હતી. આ બોન્ડ્સ 26 નવેમ્બર, 2015ના રોજ 2,684 રૂપિયા પ્રતિ ગ્રામના ઈશ્યુ પ્રાઈઝ પર ઈશ્યુ કરવામાં આવ્યા હતા. હવે આ બોન્ડ્સ રૂ. 6,132 પ્રતિ યુનિટના ભાવે રિડીમ કરવામાં આવ્યા છે. આ રીતે જો કોઈએ 8 વર્ષ પહેલા અહીં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે આ રકમ 2.28 લાખ રૂપિયા થઈ ગઈ હોત.
આ પણ વાંચો: PM Modiના 156 ગ્રામના ગોલ્ડ સ્ટેચ્યૂને લઈ એક્ઝિબિશનમાં આકર્ષણ