નડિયાદમાં મકરસંક્રાત્તિ દરમિયાન ચાઈનીઝ માંઝાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ
- અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચાઈનીઝ વસ્તુઓ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
- હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે
- તારીખ ૧૨ ડિસેમ્બર ૨૦૨૩થી ૧૬ જાન્યુઆરી 2024 સુધી હુકમ અમલમાં રહેશે
નડિયાદ, 17 ડિસેમ્બર : મકરસંક્રાત્તિ એટલે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન નડિયાદમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેર જનતાની સલામતીના હેતુસર સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ) ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીની આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આઆ હુકમ તારીખ ૧૨ ડિસેમ્બર ૨૦૨૩થી ૧૬ જાન્યુઆરી 2024 સુધી અમલમાં રહેશે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ લગાવવાનો હુકમ
ખેડા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જી.એ.એસ. એવા બી.એસ.પટેલ દ્વારા નડિયાદ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે હુકમ કર્યો છે. જેમાં 1) કોઈ પણ વ્યક્તિને જાનનું જોખમ થાય તે રીત જાહેર માર્ગો/ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર, 2) આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડવા ઉપર, 3) આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણી જનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર, 4) શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બંબૂઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડ કે કોઇપણ ધાતુના તારના લંગર બનાવી આમ- તેમ, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરવા ઉપર તેમજ 5) ટેલીફોન કે ઈલેકટ્રીકના તાર ઉપર લોખંડ કે કોઈપણ ધાતુના તાર લંગર(દોરી) નાખવા ઉપર તેમજ તારમાં ભરાયેલા પતંગ કે દોરી કાઢવા ઉપર, 6) કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેર માર્ગ ઉપર ઘાસચારાનું વેચાણ કરવા ઉપર તેમજ જાહેર રસ્તા ઉપર ગાયો/પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઉભો કરવા ઉપર, 7) કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક/પાકા સિન્થેટિક મટીરીયલ, ટોક્સિક મટીરીયલ, કાચ પાવડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી/નાયલોન/ચાઈનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક/ચાઇનીઝ બનાવટના દોરાના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા ઉપર, 8) ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર/ઉડાવવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને કલમ-૧૮૮ હેઠળ દંડ
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતા,૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો સામે આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
યોગ્ય પગલાં લેવા માટેની ગૃહવિભાગની સૂચના
છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણ તથા અન્ય તહેવારો દરમ્યાન સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ) ઉડાડવાની પ્રથા શરૂઆત થઈછે. લોકો દ્વારા હજારો સ્કાય લેન્ટર્ન રાત્રી દરમ્યાન ઉડાડવામાં આવે છે. જયારે આ ‘સ્કાય લેન્ટર્ન કોઈ વસ્તુ સાથે અથડાય છે, ત્યારે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ સ્કાય લેન્ટર્ન ઉપર મોટે ભાગે Biodegradable લખાયેલ હોય છે, પરંતુ આ પ્રકારના સ્કાય લેન્ટર્ન ગુણવત્તા વગરનાં કાગળ માંથી બનેલા હોય છે અને ગુણવત્તા વિહીન મીણના ચોસલા તેમાં બળતણ તરીકે વપરાય છે, જે Biodegradable નથી. જેથી આવી સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ)ની આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનું જરૂરી જણાતું હોવાથી રાજ્ય ગૃહ વિભાગના ઉપ સચિવ દ્વારા જાહેર જનતાની સલામતીના હેતુસર સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ) ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીની આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા યોગ્ય સાવચેતીના કાયદાકીય પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે.
ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરાનો વપરાશ ખૂબ જ નુકશાન કારક
આગામી તા.૧૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન સમગ્ર રાજયમાં પતંગ રસિકો મોટી સંખ્યામાં પતંગ ચગાવી આનંદ મેળવતા હોય છે. પતંગ ચગાવવા ઉપયોગમાં લેવામાં આવતી ચાઈનીઝ દોરા તરીકે પ્રખ્યાત ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી માનવ- જીવન, પક્ષીઓ તથા પર્યાવરણ માટે નુકશાનકારક છે. ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીની બનાવટથી ઘણીવાર માણસો અને પક્ષીઓને પ્રાણઘાતક ઈજાઓ થાય છે. ચાઈનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી, જેના પરીણામે ગટરો અને ડ્રેનેજ જામ થાય છે. ગાય તથા અન્ય પ્રાણીના ખોરાક દ્વારા પેટમાં આવી વસ્તુ જવાથી પ્રાણીઓ આફરો/ગભરામણના કારણે મરણ પામે છે. તદઉપરાંત વીજલાઈન અને સબસ્ટેશનમાં આ દોરી અને પતંગ ભરાવવાના કારણે તથા પતંગ અને દોરી મેળવવા ઉપયોગમાં લેવાતા લાંબા વાંસના બંબુઓ, પટ્ટીઓથી વીજ ફોલ્ટ થાય છે. વધુમાં જાહેર માર્ગો ઉપર ઘણા વ્યક્તિઓ દ્વારા પશુઓના ખોરાક તરીકે ઘાસચારાનું વેચાણ કરાતુ હોય છે, જેથી આમ જનતા દ્વારા તે ઘાસચારાને ખરીદીને જાહેર રસ્તા પર ગાય તથા અન્ય પશુઓને આપવાથી રસ્તાઓ પર ટ્રાફીક તથા અકસ્માતનાં પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે.
આ પણ જાણો :મોરબી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગને લઈ રેલ ટ્રાફિકને અસર, આ ટ્રેન કરાઈ રદ