મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની નિકાસના પ્રતિબંધ સામે રોષ, ગળામાં દોરડુ નાખી ખેડૂતોનો વિરોધ
ભાવનગર, 16 ડિસેમ્બર 2023, ડુંગળી પકવતા ખેડૂતોને નિકાસ બંધ થઈ જતાં રોવાનો વારો આવ્યો છે. ભાવ નહીં મળતાં ખેડૂતોએ ડુંગળી રસ્તા પર નાંખીને વિરોધ નોંધાવ્યો હતો.એક ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. મહુવા યાર્ડમાં આજે સવારે ડુંગળીની રાબેતા મુજબ હરાજી શરૂ કરવામાં આવી હતી. સરકારી કપાત નહીં કરવાના નિયમ સાથે હરાજી શરૂ કરાઈ હતી. જે મુદ્દે ગળે દોરડુ બાંધીને ખેડૂતો સહિત અનેક આગેવાનોએ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી હતી.
ખેડૂત આગેવાનોએ યાર્ડમાં ધસી આવી વિરોધ શરૂ કર્યો
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે ડુંગળીની હરાજી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી. જ્યાં સરકારી કપાત નહીં કરવાના નિયમ સાથે હરાજીની શરૂઆત કરાઈ હતી. ખેડૂત આગેવાનોએ યાર્ડમાં ધસી આવી વિરોધ શરૂ કર્યો હતો. ગળે દોરડુ બાંધી મોટી સંખ્યામાં લોકો યાર્ડમાં સ્પિકર અને માઈક સાથે ધૂસ્યા હતા. જ્યાં ડુંગળીની નિકાસ પર લાગેલા પ્રતિબંધને લઈ સરકારને જવાબદાર ઠેરવી સુત્રોચ્ચાર શરૂ કર્યા હતા.ગળે દોરડુ બાંધીને ખેડૂતો ગળાફાંસો ખાવા મજબૂર હોવાનું પ્રદર્શન કરતા અટકાયત કરી પોલીસ સ્ટેશનને લઈ જવાયા હતા.
ખેડૂતો ડુંગળીનું ટ્રેક્ટર ભરી મફતમાં વહેંચવા નીકળ્યા
રાજકોટ જિલ્લાના ઉપલેટાના શાકમાર્કેટ રોડ પર આજે ખેડૂતો જાહેર માર્ગ પર ડુંગળીનું ટ્રેકટર ભરીને લોકોને મફતમાં આપવા નીકળ્યા હતા. ખેડૂતોએ ‘એ મફત ડુંગળી ખાઓ બધા ખાઓની બૂમ પાડી લોકોને ડુંગળી લેવા માટે બોલાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પણ પ્લાસ્ટિકની ઝબલા થેલીઓ, જે હાથમાં આવ્યું એ લઈને ટ્રેક્ટરની પાછળ-પાછળ ડુંગળી લેવા માટે દોડ્યા હતા. ખેતરમાં ડુંગળીનો પાક સંપૂર્ણપણે બગડી રહ્યો છે, જેને લઈને આજે ઉપલેટાના શાક માર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમાં ડુંગળી વહેંચીને કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વર્ષ 2024થી કૌશલ્ય યુનિવર્સિટી ડ્રોન એપ્લીકેશનમાં 9 નવા કોર્સ શરૂ કરશે