અમદાવાદમાં કાસ્ટિંગ ભરેલી ટ્રક રેલિંગ તોડીને કેનાલમાં ખાબકી, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
અમદાવાદ, 16 ડિસેમ્બર 2023, શહેરમાં નારોલ નરોડા હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. બેફામ સ્પીડે પસાર થતાં ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રક પલટી ખાઈ કેનાલમાં ખાબકી હતી. કાસ્ટિંગ ભરેલી ટ્રક કેનાલની આસપાસની દિવાલ અને રેલિંગ તોડીને કેનાલની અંદર પડી હતી. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.હેવી ક્રેનની મદદ લઈને ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.
ટ્રકચાલકે સ્પીડમાં ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે શહેરમાં નારોલ નરોડા હાઈવે પર વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ જશોદાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેના ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલમાં કાસ્ટિંગ ભરેલી ટ્રક ખાબકી હતી. ટ્રકચાલકે સ્પીડમાં ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ટ્રકચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ પોલીસ અને સ્થાનિક લોકોને થતા તાત્કાલિક તેઓ દોડી આવ્યા હતા. ધારાસભ્ય ડો. હસમુખ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા.
દિવાલોના નુકશાન સાથેનો તમામ ખર્ચ ટ્રક માલિકને માથે
અકસ્માતના કારણે ખારીકટ કેનાલને થયેલા નુકશાન અને લોખંડની રેલિંગ સહિત RCCની દિવાલોના નુકશાન સાથેનો તમામ ખર્ચ જવાબદાર ટ્રકના માલિકની કંપની પાસેથી વસુલવા અને તાકીદે નેશનલ હાઈવે પરના આ માર્ગ પરની મરામત કરાવી લેવા સુચનાઓ આપી હતી. હેવી ક્રેન મંગાવીને કેનાલમાં ખાબકેલા ટ્રકને બહાર કાઢવાની તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે પણ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ ગુજરાત: બીજા તબક્કામાં મુખ્ય શહેરો સહિત 52 નગરપાલિકામાં CCTV કેમેરા લાગશે