ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિજય દિવસઃ 93,000 પાકિસ્તાની સૈનિકોની શરણાગતિના બાવન વર્ષ

  • 52 વર્ષ પહેલા આજના દિવસે ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું સમાપ્ત
  • પૂર્વીય પાકિસ્તાન ભારતના ઘૂંટણિયે આવ્યું અને 93000 સૈનિકોએ શરણાગતિ સ્વીકારી

અમદાવાદ, 16 ડિસેમ્બર : 52 વર્ષ પહેલા આજના દિવસે ભારત-પાકિસ્તાન વચ્ચે 13 દિવસ ચાલેલું યુદ્ધ 16મી ડિસેમ્બર 1971ના રોજ 93000 પાકિસ્તાની સૈનિકોની શરણાગતિ સાથે સમાપ્ત થયું હતું. જેથી આજના દિવસને સમગ્ર દેશમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પૂર્વીય પાકિસ્તાન ભારતના ઘૂંટણિયે પડ્યું અને એક નવા દેશ બાંગ્લાદેશની રચના થઈ. ઈતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ પછીની આ સૌથી મોટી શરણાગતિ છે. પશ્ચિમી પાકિસ્તાનની સેનાથી કંટાળીને હજારો પૂર્વ પાકિસ્તાનીઓ ભારતમાં આશરો લઈ રહ્યા હતા. આ 1970ની આસપાસનો સમય હતો. માત્ર એક વર્ષમાં એક કરોડથી વધુ લોકો પૂર્વ પાકિસ્તાનમાંથી ભારતીય સરહદમાં પ્રવેશી ચૂક્યા હતા જેથી આ આંકડાઓએ ત્યારના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ચિંતા વધારી દીધી. જે બાદ પૂર્વ પાકિસ્તાનના લોકોને ન્યાય અપાવવા માટે ભારતે અવાજ ઉઠાવ્યો, જે યુદ્ધમાં ફેરવાઈ ગયો અને વર્ષ 1971માં આજના જ દિવસે પાકિસ્તાને, ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું. યુધ્ધના તે સમયગાળામાં કોઈ ડિપ્લોમેટિક રિલેશન વગર ઇઝરાયેલે ભારતને સમર્થન આપ્યું આ સિવાય રશિયા પણ ભારત તરફ રહ્યું જેના કારણે અમેરિકાએ ઝૂકવું પડ્યું.

 

1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને સજ્જડ હારનો સામનો કરાવ્યો

આજે સમગ્ર દેશમાં ભારતના પાકિસ્તાન પર ‘વિજયના દિવસ’ની ઉજવણી કરવામાં અવવે છે. વર્ષ 1971માં આજના દિવસે જ ભારતને પછાડવા માટે આવી પહોંચેલી પાકિસ્તાનની એક મોટી સેનાને આપણા મુઠ્ઠીભર સૈનિકોએ હાડકાખોખરા કરી નાખ્યા હતાં. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાનને પણ આઝાદી મળી હતી જે આજે બાંગ્લાદેશના નામે ઓળખાય છે. આ યુદ્ધ બાદ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ એ કે નિયાજીએ પોતાની સેનાના લગભગ 93000 સૈનિકો સહિત ભારતીય સેના સામે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ભારત માટે ઐતિહાસિક અને દરેક દેશવાસીના મનમાં ઉમંગ પેદા કરનારું સાબિત થયું.

શું છે આ યુદ્ધની સંપૂર્ણ કહાની?

તે સમયે બાંગ્લાદેશનું કોઈ અસ્તિત્વ નહતું. પાકિસ્તાનએ પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે ભાગમાં વહેંચાયેલું હતુ. 3 ડિસેમ્બર, 1970ના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ થઈ. પૂર્વ પાકિસ્તાનની રાજનીતિક પાર્ટી અવામી લિગે 169માંથી 167 બેઠકો જીતી અને આ રીતે 313 સભ્યોવાળી પાકિસ્તાનની સંસદ મજલિસ એ શૂરામાં પણ બહુમત મેળવ્યું. અવામી લીગના નેતા શેખ મુજીબ ઉર રહેમાને સરાકર બનાવવા માટે રજુઆત કરી હતી જે પીપીપીના નેતા ઝુલ્ફિકાર અલી ભૂટ્ટોએ સ્વીકારી નહતી. યાહિયા ખાનેપૂ ર્વી પાકિસ્તાનમાં વિદ્રોહીઓને કચડી નાખવા માટે પશ્ચિમ પાકિસ્તાનના પ્રમુખ સેનાપતિને આદેશ જારી કર્યાં. પાકિસ્તાની સેનાએ 25 માર્ચ 1971ના રોજ ઢાકા અને આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી દીધી. પાકિસ્તાને તેને ઓપરેશન સર્ચ લાઈટ નામ આપ્યું. આ ઓપરેશનમાં પૂર્વ પાકિસ્તાનમાં ખુબ હિંસા થઈ. બાંગ્લાદેશ સરકારના જણાવ્યાં મુજબ, આ દરમિયાન લગભગ 30 લાખ લોકો માર્યા ગયાં. જો કે પાકિસ્તાન સરકાર તરફથી ગઠિત કરવામાં આવેલા હમદૂર રહેમાન આયોગે આ દરમિયાન ફક્ત 26000 લોકોના મોતની પુષ્ટિ કરી.

પૂર્વ પાકિસ્તાનમાં હાહાકાર મચવા લાગ્યો. ત્યાંથી લોકો ભાગીને પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય અને ત્રિપુરામાં શરણ લેવા લાગ્યા હતાં. જ્યારે ભારતમાં પાકિસ્તાની સેનાના દુર્વ્યવહારના અહેવાલો આવ્યાં ત્યારે ભારત પર દબાણ આવવા લાગ્યું કે તે ત્યાં સેના દ્વારા હસ્તક્ષેપ કરે. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતાં કે એપ્રિલમાં હુમલો કરવામાં આવે. આ અંગે ઈન્દિરા ગાંધીએ આર્મી ચીફ જનરલ સેમ માણેકશોનો મત લીધો હતો. 3 ડિસેમ્બર 1971ના રોજ ઈન્દિરા ગાંધી કોલકાતામાં એક જનસભાને સંબોધન કરી રહ્યાં હતાં. આ દિવસે સાંજે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારતીય વાયુસીમા પાર કરીને પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર, આગરા વગેરે સૈન્ય હવાઈમથકો પર બોમ્બવર્ષા કરવાનું શરૂ કરી દીધુ. યુદ્ધ શરૂ થયા બાદ પૂર્વમાં ઝડપથી આગળ વધી રહેલી ભારતીય સેનાએ જેસોર અને ખુલના પર કબ્જો કરી લીધો.

 

14 ડિસેમ્બરના રોજ ભારતીય સેનાએ એક ગુપ્ત સંદેશો પકડ્યો કે બપોરે 11 વાગ્યે ઢાકાના ગવર્મેન્ટ હાઉસમાં એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે જેમાં પાકિસ્તાનના પ્રશાસનના મોટા અધિકારીઓ ભાગ લેવાના છે. ભારતીય સેનાએ નક્કી કર્યું કે આ જ સમયે તે ભવન પર બોમ્બવર્ષા કરશે. બેઠક દરમિયાન મિગ 21 વિમાનોએ ભવન પર બોમ્બ પાડીને મુખ્ય હોલની છત જ ઉડાવી દીધી. પાકિસ્તાનના હજારો સૈનિકોને ભારતના મુઠ્ઠીભર સૈનિકોએ આખી રાત રોકી રાખ્યાં. પાકિસ્તાનીઓનું કહેવું હતું કે, અમે સવારનો નાશ્તો રામગઢમાં કરીશું,. બપોરનું ભોજન જેસલમેરમાં કરીશું અને રાતનું ભોજન જોધપુરમાં કરીશું. પરંતુ ભારતીય સૈનિકોના સાહસ આગળ તેઓ ટકી શક્યા નહીં. પૂર્વ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ.એ.કે. નિયાજીએ 15 ડિસેમ્બરે ભારતના સેમ માણેકશોને યુધ્ધ વિરામનો સંદેશ મોકલ્યો અને પછી બીજા દિવસે એટલે કે 16 ડિસેમ્બરે 93000 પાકિસ્તાની સૈનિકો સાથે ભારતીય સેનાના લેફ્ટેનન્ટ જનરલ જગજીત સિંહ અરોરો સમક્ષ સરેન્ડર કર્યું અને પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બની ગયું. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના માત્ર 6 વર્ષ બાદ દેશ ફરી એકવાર યુદ્ધની સ્થિતિમાં હતો. આ સમયે પાકિસ્તાન સાથે અમેરિકા,ચીન, ઈસ્લામિક દેશો સહિત અનેક મોટી શક્તિઓ હતી. જેના કારણે પાકિસ્તાન પાસે હથિયાર અને લોજિસ્ટિકની કોઈ અછત ન હતી. આવા સમયે ભારતને જરૂર હતી એવા હથિયારથી સમૃધ્ધ દેશની જે તેની મદદ કરી શકે.

 

રશિયા-ઈઝરાયલ વચ્ચે આંતરિક સંબંધો ખરાબ હોવા છત્તા બંનેએ ભારતનો સાથ આપ્યો

આ યુદ્ધ સમયે ભારતે ઇઝરાયેલ પાસે મદદ માંગી કારણ કે ઇઝરાયેલ-પાકિસ્તાનના સંબંધો સારા હતા નહીં. તે સમયે ભારત અને ઇઝરાયેલ વચ્ચે ડિપ્લોમેટિક રિલેશન નહિવત હોવાથી ફ્રાંસમાં રહેલા ભારતના રાજદૂત ડી.એન.ચેટર્જીએ ઈઝરાયેલ સાથે વાત કરી. જ્યારે અમેરિકા તે સમયે ઈઝરાયેલનું સૌથી ખાસ મિત્ર હતું. જે આ યુદ્ધમાં પાકિસ્તાન સાથે હતું. જે બાદ ઈઝરાયેલ ભારતને ગુપ્ત રીતે હથિયારો મોકલીને પોતાનું સમર્થન આપ્યું હતું. જ્યારે બીજી બાજુ આ યુદ્ધમાં ભારતને ખુલ્લેઆમ સાથ આપનારો દેશ રશિયા હતો. રશિયા અને ઈઝરાયેલના આંતરિક સંબંધો સારા હતા નહીં. પરંતુ બંને સાથે મળીને ભારતને મદદ કરી હતી. ભારત અને રશિયાએ 9 ઓગસ્ટ,1971ના શાંતિ અને મિત્રતાની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જેથી ભારત પર આ યુદ્ધનું સંકટ આવતાં રશિયાએ  પોતાનો ભરપૂર સાથ આપ્યો.

આ પણ જુઓ :પાક. ચૂંટણી : નવાઝ શરીફ સામે પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો હશે PM પદના ઉમેદવાર, PPPની જાહેરાત

Back to top button