સાવધાન ! છીંક આવતી રોકશો તો શ્વાસનળી ફાટી જશે….
નવી દિલ્હી 15 ડિસેમ્બર : કોઈપણ વ્યક્તિ માટે છીંક રોકવી માત્ર મુશ્કેલ નહીં, ઘણું ખતરનાક છે. આ કોઈ સ્ટન્ટથી કમ નથી ! કેમ કે છીંક રોકવાથી મૃત્યુ પણ થઈ શકે છે. કારણ કે, તાજેતરમાં એક રિપોર્ટ મુજબ એક એવી ઘટના બની છે કે એક વ્યક્તિએ છીંક રોકવા માટે એવું કંઈક કર્યું કે તેની શ્વાસનળી જ ફાટી ગઈ અને એમાં કાણું પડી ગયું હતું. ડોક્ટરોએ જણાવ્યા મુજબ પહેલી વાર આ પ્રકારની ઘટના બની છે તેમ જ આવા બનાવને લીધે જીવ પણ જઈ શકે છે.
આ બનાવ ત્યારે બન્યો જ્યારે આ વ્યક્તિને કાર ચલાવતી વખતે અચાનક છીંક આવવાનો અણસાર આવ્યો હતો. તેણે છીંક રોકવા માટે નાકની નીચે આંગળી રાખી દીધી અને મોઢું બંધ કરી દીધું હતું. પરિણામે થયું એવું કે છીંક આવવાથી તેના મોઢાની અંદર ઘણું દબાણ આવી ગયું હતું. નાક અને મોઢું બંધ કરવાથી સામાન્ય છીંકની તુલનાએ આ છીંકની તીવ્રતા 20 ગણી વધુ થઈ ગઈ અને દબાણને લીધે આ વ્યક્તિની શ્વાસનળી ફાટી જતા એમાં બે મિલીમીટર જેટલું કાણું પડી ગયું હતું.
ડૉક્ટરોને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેમને ખબર પડી કે આટલી મોટી દુર્ઘટના બાદ પણ આ વ્યક્તિને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહોતી થઈ. તે એકદમ આરામથી વાત કરતો હતો. જોકે તેની ગરદનની બન્ને બાજુ સોજો હતો. 2018માં બ્રિટનમાં બનેલો આ બનાવ હાલમાં બીએમજે કેસ રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એક્સ-રે દ્વારા જાણ થઈ કે આ માણસને એવી બીમારી છે જે સામાન્ય રીતે ધૂળના સંપર્કમાં આવવાથી છીંક વધારે છે. ડૉક્ટરે જણાવ્યા મુજબ તેને સર્જરીની જરૂર નથી. ડિસ્ચાર્જ દરમ્યાન ડૉક્ટરે તેને પેઇન કિલર અને હાઈ ફીવરની દવા આપી હતી. પાંચ સપ્તાહ બાદ સીટી સ્કૅનથી જાણ થઈ કે તેનો જખમ સંપૂર્ણપણે નૉર્મલ થઈ ગયો છે. ડૉક્ટરોએ જણાવ્યા મુજબ આ કેસને અન્ય લોકોએ ચેતવણી તરીકે ગણવો જોઈએ.