વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં 42 નોકરિયાતોને નોટીસ, પરીક્ષા કેવી રીતે પાસ કરી તેની તપાસ થશે
સુરત, 15 ડિસેમ્બર 2023, વિદ્યુત સહાયક ભરતી કૌભાંડમાં પોલીસની તપાસ આગળ વધી છે. પરીક્ષામાં સેટિંગ કરીને પાસ થનારા વધુ 42 નોકરિયાતોને નોટીસ આપવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચે મધ્ય અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના 20 નોકરીયાતોને નોટીસ ફટકારી છે. હવે આ લોકો પાસેથી નોકરી કેવી રીતે મેળવી અને પરીક્ષા કેવી રીતે પાસ કરી તેની સઘન તપાસ કરી સ્પષ્ટ વિગતો મેળવવા કવાયત હાથ ધરાશે.
વડોદરાના પરીક્ષા કેન્દ્રો પર દરોડા પણ પાડ્યા હતાં
સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા અગાઉ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હવે વધુ 42 લોકોને નોચીસ આપી છે. આ નોટીસ ફટકાર્યા બાદ વધુ નોકરીયાતોની ધરપકડ થાય તેવી શક્યતાઓ છે. પાંચ મહિના પહેલા સુરત ક્રાઈમ બ્રાંચે આ કૌભાંડ ઝડપ્યુ હતું ત્યારે મહેસાણાથી 11 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તે ઉપરાંત વડોદરાના પરીક્ષા કેન્દ્રો પર દરોડા પણ પાડ્યા હતાં.
પોલીસે અગાઉ 13 આરોપીઓની ધરપકડ કરી હતી
વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત ખાતે વિવિધ કેન્દ્રો પર ગુજરાત વિદ્યુત બોર્ડમાં 2,156 સહાયકોની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી.આ પરીક્ષામાં કેન્દ્રના માલિકો, કોમ્પ્યુટર લેબના ઈન્ચાર્જ તથા તેમના મળતિયા સાથે મળી બન્ને એજન્ટોએ ગેરરીતિ આચરી હતી. ઉમેદવારો પાસેથી રૂપિયા લઈને તેમને ઓનલાઈન પરીક્ષામાં પાસ કરાવ્યા હતા. આ કેસમાં પોલીસે અગાઉ 13 આરોપીઓની ધરપકડ કરી હતી જેની પૂછપરછ દરમિયાન આ બન્ને એજન્ટોનું નામ સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં નેશનલ હાઈવે પર પાંચ વર્ષમાં ટોલટેક્સની કમાણી જાણી રહેશો દંગ