દેડિયાપાડા કોર્ટે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
નર્મદા, 15 ડિસેમ્બર 2023, આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમને દેડીયાપાડાથી રાજપીપળા LCBમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા. આજે પોલીસ દ્વારા ચૈતર વસાવાને દેડીયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા ત્યારે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના પોલીસ રિમાન્ડ મજૂર કર્યા છે. આ કેસમાં તેમના પત્ની, અંગત મદદનીશ અને ખેડૂત સહિત 3 આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હાલમાં જેલમાં છે ત્યારે ગઈ કાલે ચૈતર વસાવા સહિત અન્ય ત્રણ આરોપીએ સરેન્ડ કરતા આ કેસમાં કુલ ધરપકડનો આંકડો 7 થયો છે.
ગોપાલ ઈટાલિયા ચૈતર વસાવાનો કેસ લડી રહ્યાં છે
દેડીયાપાડા કોર્ટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાના વકીલ છે. દેડીયાપાડા પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માગ કરી છે. સરકારી વકીલ મુકેશ ચૌહાણ સરકારની તરફેણમાં દલીલ કરી રહ્યાં છે. ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાની તરફેણમાં દલીલ કરી હતી કે આ કેસ ખોટો છે. જો કેસ સાચો હોય તો હવામાં ફાયરિંગ કરી અને પૈસા લીધા તેના પુરાવા લાવો. વધુમાં ઇટાલિયાએ દલીલ કરી કે જો કેસ સાચો જ હતો તો આટલી મોડી FIR કેમ કરી. પોલીસે માંગેલા 14 દિવસના રિમાન્ડની સામે કોર્ટે ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે.
આ કેસમાં કુલ ધરપકડનો આંકડો 7 થયો છે
બીજી તરફ સેશન્સ અને હાઇકોર્ટે ચેતર વસાવાની આગોતરા જામની અરજી ફગાવી દીધી હતી. તેમની પાસે સુપ્રિમ કોર્ટમાં અરજી કરવા કે પછી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો ન હતો. આ કેસમાં તેમના પત્ની, અંગત મદદનીશ અને ખેડૂત સહિત 3 આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી છે અને તમામ જેલમાં છે. ત્યારે આ કેસમાં કુલ ધરપકડનો આંકડો 7 થયો છે.
આ પણ વાંચોઃ ડુંગળીના ભાવ નહીં મળતાં ગોંડલમાં ખેડૂતોનો હલ્લાબોલ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકાયો