ગુજરાત

મધ્યગીરના ચિત્રાવાડ ગામમાંથી ઝડપાયું કૂટણખાનું : સંચાલક, દલાલ સહિત છ ઝડપાયા

Text To Speech
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર તાલુકાના ચિત્રાવડ ગામની સીમમાંથી કૂટણખાનું ઝડપાયું છે. ગામના એક મકાનમાં બે શખ્સો દલાલોના સુવ્યવસ્થિત નેટવર્ક સાથે કૂટણખાનું ચલાવતા હોવાની બાતમીના આધારે તાલાલા પોલીસે દરોડો પાડ્યો હતો. અનૈતિક દેહ વ્યાપારના ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કરી સંચાલક, દલાલ સહિત છ શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પોલીસે બે પરપ્રાંતીય મળી ત્રણ યુવતીઓને દેહ વ્યાપારના ચૂંગલમાંથી મુક્ત કરાવી હતી.
વાડીની ઓરડીમાં અનૈતિક દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી હતી
મળતી માહિતી મુજબ તાલાલા-સાસણ ગીર વચ્ચે આવેલા ચિત્રાવડ ગામની સીમમાં નાથાભાઇ બોઘાભાઈ સામનાણીની વાડીના મકાનમાં ફારૂક તાજુ દરજાદા (રે. ચિત્રાવડ ગીર) તેમજ રૂપસીંગ પરમાર (રે.મંડોર) અનૈતિક દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોવાની તાલાલા પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પીઆઈ વી.એમ.ચૌધરી, પીએસઆઈ પી.જે.બાંટવાએ સ્ટાફ સાથે ચિત્રાવડ ગામની સીમમાં દરોડો પાડયો હતો. તે સમયે વાડીમાં ઓસરી અને બે રૂમ વાળા મકાનમાં અનૈતિક દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી હતી. જ્યારે બહાર ઓસરીમાં એક મહિલા અને ચાર શખ્સો બેઠા હતા.
શરીર સંબંધ બાંધવાના 1 હજાર લઈ મહિલાઓને રૂ.500 આપાતા 
પોલીસ સ્ટાફે સ્થળપરથી રોકડા રૂ.6 હજાર, મોબાઇલ નંગ-6 મળી કુલ રૂ.14 હજારના મુદામાલ સાથે ફારૂક તાજુ દરજાદા (ઉ.વ.32, રહે. ચિત્રાવડ ગીર), હિતેશ ઉર્ફે રાહુલ (ઉ.વ.20 રહે.ઉમરેઠી), રવિ નાનજી પરમાર (ઉ.વ.23 રહે.તાલાલા રેલ્વે સ્ટેશનની બાજુમાં), શાહનવાઝ અબુ રાઠોડ (રહે.તાલાલા સીદીવાડા), દેવશી હમીર જોટવા (ઉ.વ.40 ૨હે.ઉમરેઠી ગીર), ચંદ્રેશ ઉર્ફે ભાર્ગવ દિનુશ વાઘેલા ઉર્ફે ભાર્ગવ (ઉ.વ.19, રહે.વિરપુર ગીર)ને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ છ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે હાજર ન મળી આવેલા રૂપસીંગ પરમાર (રહે.મંડોર) ને પકડવા તજવીજ હાથ ધરી હતી. આ પર્દાફાશ અંગે પીએસઆઈ બાંટવાએ જણાવ્યું કે, કેઝ કૂટણખાનું ચલાવનારા દલાલો, ગ્રાહક પાસેથી શરીર સંબંધ બાંધવાના 1 હજાર લઈ રૂ.500 દલાલીના રાખી બહારથી બોલાવેલી મહિલાઓને રૂ.500 આપતા હતા. આ કૂટણખાનુંમાંથી બે પરપ્રાંતીય મળી ત્રણ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે ચિત્રાવડ ગીર ગામની સીમમાં ચાલતા કૂટણખાનુંનો પર્દાફાશ કર્યો હતો. તેમજ પોલીસની કડક કાર્યવાહીને પગલે પંથકમાં ચકચાર પ્રસરી ગઈ હતી.
વિસ્તારમાં થોડા દિવસમાં જ બીજું કૂટણખાનું ઝડપાયું
એશિયાઈ સિંહોથી વિશ્વમાં પ્રખ્યાત થયેલા સાસણ ગીરની આસપાસના ગામોમાં ટુરીઝમ વિક્સ્યુ છે. જેની સાથે સાથે આ વિસ્તારો અને ગામોમાં અનૈતિક પ્રવૃત્તિઓ પણ બેફામ બની હોય તેમ સાસણની આસપાસ આવેલા ફાર્મ હાઉસોમાં ગોરખધંધા ચાલતા હોવાની વ્યાપકપણે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. જેથી સતર્ક બનેલી પોલીસે થોડા સમય અગાઉ જ સાસણ પાસેના એક ગામના ફાર્મ હાઉસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યા હતો. જે બાદ હવે બીજા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે.
Back to top button