TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી આખા સત્ર માટે સસ્પેન્ડ
- સંસદની સુરક્ષામાં ભંગને લઈને વિપક્ષી સાંસદોએ આજે રાજ્યસભામાં હંગામો કર્યો હતો
- રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા
નવી દિલ્હી, 14 ડિસેમ્બર: તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનને સમગ્ર શિયાળુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે નિયમ 256 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ ડેરેક ઓ બ્રાયન સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે રાજ્યસભાએ “અપમાનજનક ગેરવર્તણૂક” માટે ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયનને શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર અનુસાર, ડેરેક ઓ’બ્રાયને સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહની કાર્યવાહી ખોરવી નાખી હતી.
સંસદની સુરક્ષામાં ભંગને લઈને હોબાળો
વાસ્તવમાં સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને આજે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં વિપક્ષના સભ્યો સતત આક્રમક વલણ અપનાવી રહ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વારંવાર સભ્યોને ગૃહની અંદર શાંતિ જાળવવા વિનંતી કરી રહ્યા હતા. પરંતુ વિપક્ષી સાંસદોનો ઘોંઘાટ ચાલુ રહ્યો.
#WATCH via ANI Multimedia | “Leave House immediately” VP Jagdeep Dhankhar yells at Derek O’Brien in RS for ‘disorderly conduct’https://t.co/jgby7yKIdQ
— ANI (@ANI) December 14, 2023
રાજ્યસભાના અધ્યક્ષ ડેરેકથી નારાજ
ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન પણ પોતાની સીટ પરથી ઊભા થઈને ગૃહની વચ્ચે આવીને હોબાળો કરી રહ્યા હતા. અધ્યક્ષના વારંવારના અનુરોધ પછી પણ તેઓ શાંત ન થયા ત્યારે અધ્યક્ષ ધનખરે કહ્યું કે, હું ડેરેક ઓ’બ્રાયનનું નામ લઈ રહ્યો છું, શ્રી ડેરેક ઓ’બ્રાયન તાત્કાલિક ગૃહ છોડી દે. આટલું કહીને રાજ્યસભાના અધ્યક્ષ ધનખર અચાનક ઊભા થઈ ગયા. પછી તેમણે કહ્યું કે, “તમે શું કરી રહ્યા છો? શ્રી બ્રાયન તમે વિશેષાધિકારનો ભંગ કર્યો છે. ડેરેક ઓ’બ્રાયન તાત્કાલિક ગૃહ છોડીને બહાર ચાલ્યા જાઓ.”
આ પણ વાંચો, પર્યટકો માટે ‘સેલ્ફી’ લેવી પડી ભારે, કંઈક એવું થયું કે પ્રવાસીઓ ધ્રૂજવા લાગ્યા