જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની એક સભામાં ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા પછી વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ દેશના કેબિનેટ પ્રધાનો અને અન્ય રાજકારણીઓ માટે સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. પીએમ કિશિદાએ નેશનલ પબ્લિક સેફ્ટી કમિશનના ચેરમેન નિનોયુ સાતોશી, ન્યાય મંત્રી અને અન્ય લોકો સાથે આબે પરના હુમલા અંગે ચર્ચા કર્યા બાદ આ પગલું ભર્યું હતું. કિશિદાએ અધિકારીઓને અપીલ કરી કે તેઓ ક્યારેય આતંકવાદ અને હિંસાનો ભોગ ન બને.
અહેવાલમાં જણાવાયું છે કે સાતોશીએ રાષ્ટ્રીય પોલીસ એજન્સીના વડાને કેબિનેટ મંત્રીઓ અને અન્ય ટોચના જાપાની રાજકારણીઓને સંપૂર્ણ સુરક્ષા આપવા માટે સૂચના આપી હતી. શુક્રવારે નારામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે શિન્ઝો આબેને ગોળી મારી દેવામાં આવી હતી. હુમલા બાદ આબેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને કલાકોમાં જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા..
હોસ્પિટલને આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પૂર્વ પીએમને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેઓ કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિમાં હતા. ગોળીને કારણે તેના શરીરમાંથી ઘણું લોહી નીકળી ગયું હતું. જો કે, પૂર્વ પીએમને બચાવવા માટે તબીબોએ પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તે શક્ય બન્યું ન હતું.
અહીં પોલીસે ઘટનાસ્થળે જ શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી હતી. બંદૂક નિયંત્રણના કડક કાયદા ધરાવતા વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાંના એક ગણાતા જાપાનમાં આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. સ્વાસ્થ્યના કારણોસર બે વર્ષ પહેલાં રાજીનામું આપતાં પહેલાં, આબેએ જાપાનની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરી અને એશિયામાં રાષ્ટ્રને વધુ મજબૂત ભૂમિકા ભજવવા માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું.