ગુજરાત AAPની એક વિકેટ પડી, ભુપત ભાયાણીનું MLA પદ પરથી રાજીનામું
- લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત AAPને મોટો ફટકો
- હું રાષ્ટ્રવાદી માણસ છું અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા મારા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લેટફોર્મ નહોતુંઃ ભુપેન્દ્રભાઈ ભાયાણી
HD ન્યૂઝ ડેસ્ક, 13 ડિસેમ્બર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે હવે સમય જતાં પાંચ પૈકી એક ધારાસભ્યએ પોતાના ધારાસભ્યપદ પરથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સુપરત કર્યું છે. વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા આપના ધારાસભ્ય ભુપત (ભુપેન્દ્રભાઈ) ભાયાણીએ ધારાસભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે.
કેમ આપવું પડ્યું ભાયાણીને રાજીનામું ?
રાજીનામું આપવા પાછળના કારણ કહેતાં ભુપત ભાયાણી એ કહ્યું કે, ‘રાજીનામું આપવા પાછળ ઘણા બધા કારણો છે. હું રાષ્ટ્રવાદી માણસ છું અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા મારા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લેટફોર્મ નહોતું. જેથી કરીને મારી જનતા અને કાર્યકર્તાઓને પૂછી મેં આ નિર્ણય કર્યો છે. કઈ પાર્ટી રાષ્ટ્રવાદી છે અને કઈ પાર્ટી રાષ્ટ્રવાદી નથી એ દેશની જનતા જ જાણે છે. મારે જનતાનાં કામ કરવા છે. મને યોગ્ય પ્લેટફોર્મ ન લાગતાં મેં નિર્ણય લીધો છે. યોગ્ય સમયે યોગ્ય રાજકીય નિર્ણયો થતા હોય છે.
ભાયાણીના રાજીનામાં બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું
વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય ભુપત ભાયાણીએ આજે તેમના ધારાસભ્યપદ ઉપરાંત આમ આદમી પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું છે. ત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અનેક નિષ્ણાતો અટકળો લગાવી રહ્યા છે કે ભુપત ભાયાણી હવે આપ છોડીને ભાજપમાં જોડાશે. ત્યારે ભુપત ભાયાણીને આ જ સવાલ મીડિયા દ્વારા પુછવામાં આવ્યો ત્યારે ભાયાણીએ જવાબમાં કહ્યું કે, “હું ભાજપનો જ કાર્યકર્તા હતો.” ભુપત ભાયાણીના આ જવાબથી એ નક્કી થઈ જ ગયું છે કે ભાયાણી ટુંક જ સમયમાં ભાજપનો ખેસ પહેરે તો નવાઈ નહીં.
એકની વિકેટ બાદ ગુજરાત AAP જોડે 4 ધારાસભ્ય રહ્યા
વિસાવદરના ધારાસભ્ય ભુપત ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતાં ગુજરાત AAP જોડે હવે ચાર જ ધારાસભ્ય રહ્યા છે. વિસાવદરની બેઠક ખાલી થતાં આગામી છ માસમાં વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ શકે છે.
આ પણ વાંચો: મોરબી બ્રિજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલે જેલમાંથી બહાર આવવા બનાવ્યો પ્લાન