ગુપ્ત ધન શોધી આપવાનો દાવો કરીને 11 લોકોની હત્યા કરનાર ઝડપાયો

- તેલંગાણામાં એક સીરિયલ કિલર ઝડપાયો છે.
- ત્રણ રાજ્યો તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં 11 લોકોની હત્યા કરી.
- આરોપી છુપાયેલો ખજાનો શાધી આપવાના બહાને લોકોને ફસાવતો.
તેલંગાણા, 13 ડિસેમ્બર: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં પોલીસે એક સિરિયલ કિલરની ધરપકડ કરી છે. આરોપીએ તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં 11 લોકોની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, હૈદરાબાદથી લગભગ 130 કિમી દૂર નાગરકર્નૂલના રહેવાસી 47 વર્ષીય રામતી સત્યનારાયણે 11 લોકોને તેમનો છુપો ખજાનો સામે લાવી આપવાનો વાયદો કરીને તેમની નિર્દયતાથી હત્યા કરી હતી.
લોકોને ખજાનાની લાલચ આપતો હતો
પોલીસના જણાવ્યા મુજબ, તેના ગુનાની મોડસ ઓપરેન્ડી એ હતી કે, તે લોકોને છુપાયેલા ખજાનાને તાંત્રિક વિધિ દ્વારા શોધી આપવાની લાલચ આપીને લોકોને ફસાવતો હતો અને લોકો પણ તેની જાળમાં ફસાતા હતા. ત્યારબાદ આરોપી તેમની પાસેથી પૈસા લેતો અથવા તેમની જમીન પોતાના નામે કરાવી લેતો હતો. આરોપી તે લોકોને એકાંત સ્થળે લઈ જઈને તેમની હત્યા કરી દેતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી 2020 થી આવા ગુનાઓ કરી રહ્યો છે અને પોલીસથી બચવામાં પણ સફળ રહ્યો હતો.
મહિલા સહિત 11 લોકોએ જીવ ગુમાવ્યા
પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધી આરોપીએ મહિલાઓ સહિત 11 લોકોની હત્યા કરી છે. હાલમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આઠ કેસમાં તેની સંડોવણીની પુરાવા મળ્યા છે. પોલીસે તપાસ ત્યારે શરૂ કરી જ્યારે એક મહિલાએ 26 નવેમ્બરના રોજ ફરિયાદ કરી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના પતિ હૈદરાબાદના લંગર હાઉસમાં આવેલા તેમના ઘરેથી સત્યનારાયણને મળવા નાગરકુર્નૂલ જવા નીકળ્યા હતા, પરંતુ પાંચ દિવસ પછી પણ તેઓ પાછા આવ્યા ન હતા.
આરોપી જડી-બુટ્ટીનું કામ પણ કરતો હતો
પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કે પોલીસ પાસે જતા પહેલા, જ્યારે મહિલા અને તેના પરિવારના સભ્યો તેના પતિ વિશે જાણવા માટે આરોપીને મળ્યા હતા, ત્યારે તેણે કોઈપણ પ્રશ્નનો સાચો જવાબ આપ્યો ન હતો. નાગરકર્નૂલમાં તપાસ કરી રહેલા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરને આરોપી સત્યનારાયણનું વર્તન શંકાસ્પદ લાગ્યું હતું. પોલીસે જણાવ્યું છે કે, નાગરકર્નૂલમાં પ્રોપર્ટીના વ્યવસાયમાં રોકાયેલો આ આરોપી આયુર્વેદિક જડી-બુટ્ટીનું કામ પણ કરતો હતો.
આ પણ વાંચો, ગુજરાતમાં બિલ વિના જ રોકડી કરતા વેપારીઓ પર GSTની તવાઇ