મોરબી પાસે કારખાનામાં બોઈલરમાં બ્લાસ્ટ, મેનેજર સહીત બેના મોત
મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઈવા સિન્થેટિક નામના કારખાનામાં બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને ત્યારે ત્યાં ઘટના સ્થળે હાજર રહેલ કારખાનાના મેનેજર, ટેક્નિશિયન અને સૂપર વાઇઝર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી હતી જેથી આ અંગે તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારે એક વ્યક્તિને ઇજા પામેલ હાલતમાં બહાર કાઢીને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને બે વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવેલ છે.
આ અંગે પાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ફાયરની ટીમે ઘટના પહોંચીને ત્યાંથી ઇજા પામેલ કારખાનાના સુપરવાઇઝર નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા (ઉ.વ.૫૦) રહે. માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળાને સારવારમાં ખસેડયા હતા અને કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગરમાં રહેતા વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (ઉ.વ.૪૦) તેમજ ઉપલેટા તાલુકાનાં કોલકી ગામના રહેવાસી હિતેશભાઇ મનસુખભાઇ ડેડકીયા (ઉ.વ.૩૭) નામના બે યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબૂમાં મેળવવા ફાયર ફાઈટિંગ કરવામાં આવી રહી છે.