ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અમૃત આહાર મહોત્સવમાં 55 હજારની પ્રાકૃતિક કૃષિ ઉપજનું થયું વેચાણ

  • કલેકટર વરુણકુમાર બરનવાલે અમૃત આહાર મહોત્સવ ખુલ્લો મુકયો
  • પ્રાકૃતિક ખેતી કરતા ૩૨ જેટલા ખેડુતો દ્વારા શાકભાજી, મીલેટસ, કઠોળ, ધાન્ય પાકો, કાચી ઘાણીના તેલ, મધ અને સરગવાનો પાઉડર વેચાણ અર્થે મુકાયા

પાલનપુર 12 ડિસેમ્બર 2023 : પાલનપુર ખાતે ૧૨ ડિસેમ્બરના રોજ અમૃત આહાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી પ્રાકૃતિક કૃષિ કરતા ૩૨ જેટલા ખેડૂતો પોતાની વેચાણ ઉપજ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના વેચાણ અર્થે યોજાયેલા આહાર અમૃત મહોત્સવમાં ખેડૂતોએ જુદી જુદી ઉપજ જેવી કે શાકભાજી, મીલેટસ, કઠોળ, ધાન્ય પાકો, કાચી ઘાણીના સરસવ, સીંગતેલ, મધ અને સરગવાનો પાઉડર વગેરે ઉપજો વેચાણ અર્થે મુકવામાં આવી હતી. જેમાં અંદાજીત રૂ. ૫૫૬૦૦/- નુ ૧૨૮૮ કી.ગ્રા. પ્રાકૃતિક કૃષિ ઉપજોનું વેચાણ થયું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલે પ્રાકૃતિક કૃષિને બજાર મળતું થાય અને તેમને સારો એવો બજાર ભાવ મળી રહે અને એક ખેડૂત ૧૦ થી ૧૨ પરિવાર સાથે જોડાઇ પરિવારને પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનોની તમામ જરૂરીયાતો પુરી પાડે તેવો ફેમીલી ફાર્મરનો કોન્સેપ્ટ સમજી મદદરૂપ થવા જણાવ્યું હતું. તેમજ વિવિધ એશોશીયેશનના હોદેદારો પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત લે અને જીલ્લામાં એગ્રો ટુરીઝમનો વિકાસ થાય એના પર ભાર મુક્યો હતો. તેમજ મેડીપોલીસ ખાતે ચાલતી કેંટીનમા પ્રાકૃતિક કૃષિ વેચાણની વ્યવસ્થા કરવામા આવશે એમ જણાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શીવરામભાઇ પટેલ દ્વારા ખેડૂતોની ઉપજમાં ખરીદનાર વર્ગ છે, તો ખેડુતો તેમની માગણી અને ભરોસા મુજબ પ્રાકૃતિક કૃષિની ઉપજો પુરી પાડવામા આવે તો કોઇ પ્રશ્ન નથી એમ જણાવી ખરીદનાર વર્ગના તમામ એશોશીયેશન દ્વારા આ બાબતે પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી.

આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતો અને જીલ્લાના વિવિધ સંગઠનો જેવા કે ચેમ્બર ઓફ કોમર્સ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ , હોટેલ એશોશીયેશન, એપીએમસી તેમજ વિવિધ સંગઠનોના હોદેદારો સહિત જીલ્લાના પ્રોજેક્ટ ડિરેક્ટર આત્મા, નાયબ ખેતી નિયામક (વિ.) નાયબ બાગાયત નિયામક , પાલનપુર તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામા ખેડુતો અને ખરીદનાર વર્ગ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં આશા વર્કરોને 9 મહિનાથી નાણાં ન ચૂકવાતા રોષ

Back to top button