જામનગરઃ રોજગાર મેળામાં 560 યુવાનોને મળી નોકરીની ઑફર
- જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું.
- રોજગાર ભરતી મેળામાં 33 જેટલા ઔદ્યોગિક એકમોના માધ્યમથી 560 જેટલા યુવાઓને રોજગાર પ્રાપ્ત થાય તે પ્રકારનું આયોજન હાથ ધરાયું.
જામનગર, ૧૨ ડિસેમ્બર: જિલ્લા રોજગાર કચેરી જામનગર અને ધારાસભ્ય રિવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. કેમ્પસ જામનગર ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૩ જેટલા ઔદ્યોગિક એકમો યુવાઓને રોજગારી અર્પણ કરવા સહભાગી થયા હતા અને 560 જેટલા યુવાઓને રોજગાર મેળાના માધ્યમથી રોજગાર પ્રાપ્ત થાય તે પ્રકારનું આયોજન હાથ ધરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે એક જન પ્રતિનિધિ તરીકે હું જ્યારે યુવા વર્ગનું પણ પ્રતિનિધિત્વ કરી રહી છું ત્યારે યુવાઓનો કઈ રીતે સર્વાંગી વિકાસ કરી શકાય તે માટેનો આ એક નમ્ર પ્રયાસ છે. ભારતએ સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે ત્યારે આ યુવાઓને પોતાના કૌશલ્ય આધારિત રોજગાર મળે તે માટેના આ મેળાના માધ્યમથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ યુવા તેમજ શિક્ષિત વર્ગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને એમની પ્રેરણાથી જ આજે રાજ્યભરમાં આ પ્રકારના રોજગાર મેળાઓનું આયોજન શક્ય બન્યુ છે. સરકારના પ્રયાસોથી દેશભરમાં આજે ‘મેડ ઇન ભારત’ની પરિકલ્પના સાકાર થઈ રહી છે. અનેક ખ્યાતનામ વિદેશી કંપનીઓએ પોતાના ઉદ્યોગો આજે ભારત તરફ વાળ્યા છે. દેશના દરેક ક્ષેત્રમાં આજે મહિલાઓ પોતાનુ યોગદાન આપી રહી છે અને આગળ વધી રહી છે ત્યારે ઉદ્યોગ, આરોગ્ય અને રોજગાર ક્ષેત્રે સદાય અગ્રેસર રહેલું જામનગર વધુ વિકાસની ઊંચાઈઓ સર કરશે તે નિશ્ચિત છે.
આ પ્રસંગે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ ઉપસ્થિત યુવાઓને પ્રેરિત કરતા જણાવ્યુ હતું કે યુવાઓએ કોઇ એક ચોક્કસ ક્ષેત્રમાં પોતાનુ કૌશલ્ય વિકસિત કરવુ અને ઔદ્યોગિક એકમોને સતત તમારી જરૂરિયાત રહે એ પ્રકારે પોતાની જાતને તૈયાર કરવીએ આજના સમયની માંગ છે. યુવાનોમા કૌશલ્યવર્ધન થાય તે માટે રાજ્ય સરકાર પણ પ્રયત્નશીલ છે અને થોડા સમય પહેલા જ સરકાર દ્વારા સ્થાપવામા આવેલ સ્કિલ ડેવલોપમેન્ટ યુનિવર્સિટીએ તેનુ તાદશ ઉદાહરણ છે.
કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શિક્ષણ સમીતીના ચેરમેન મનીષભાઈ કનખરા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, કોર્પોરેટરઓ, નોકરી દાતાઓ તેમજ બહોળી સંખ્યામાં નોકરીવાંચ્છુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: કેન્દ્રએ બિપરજોય વાવાઝોડાને લઈ ગુજરાતને 338.24 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી