ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનઃ બે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા?

જયપુર (રાજસ્થાન), 12 ડિસેમ્બર:  મધ્યપ્રદેશ, છત્તીસગઢ બાદ રાજસ્થાનમાં પણ ભાજપે નવા ચહેરાને તક આપી તમામને ચોંકાવ્યા છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે  ભજનલાલ શર્માની પસંદગી કરવામાં આવી છે. જ્યારે બે નાયબ મુખ્યપ્રધાનનાં નામ જાહેર કરાયા છે. દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું છે. આ અગાઉ મંગળવારે બપોરે ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ હતી જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવી હતી. બેઠક પૂરી થયા બાદ રાજસ્થાનના નવા સીએમ અને ડેપ્યુટી સીએમનું નામ જાહેર કરાયું હતું. તો જાણીએ કોણ છે દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવા…

રાજવી પરિવારનાં દિયા કુમારી 10 વર્ષથી રાજકારણમાં

દિયા કુમારીને રાજસ્થાનના ડેપ્યુટી સીએમનું પદ મળ્યું છે. દિયા કુમારીએ વિધાનસભાની ચૂંટણીમાં વિદ્યાધર નગર બેઠક પરથી ભવ્ય જીત મેળવી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દિયા કુમારીને 158516 વોટ મળ્યા છે. જયપુરની રાજકુમારી દિયા કુમારી સ્વર્ગસ્થ ભવાની સિંહ અને મહારાણી પદ્મિની દેવીની પુત્રી છે. તેમણે 10 વર્ષ પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને 2013માં સવાઈ માધોપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં. દિયા વર્ષ 2019માં રાજસમંદથી લોકસભા ચૂંટણી પણ જીત્યાં હતાં. આ વર્ષે ભાજપે દિયા કુમારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમને જયપુરની વિદ્યાધર નગર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યાં હતાં. તેમના શિક્ષણની વાત કરીએ તો તેમણે લંડનની ચેલ્સી સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કર્યો. વાસ્તવમાં ભજનલાલ શર્માનું નામ જાહેર થયું ત્યાં સુધી મોટાભાગના રાજકીય પંડિતો તેમજ મીડિયામાં મુખ્યપ્રધાનપદ માટે જે બે-ત્રણ નામની અટકળો હતી તેમાં દિયાકુમારી પણ એક હતાં.

પ્રેમચંદ બૈરવાએ ABVPથી શરૂ કર્યો રાજકીય સફર

પ્રેમચંદ બૈરવા જયપુર નજીક ‘દુદુ’ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ વખતે તેમણે કોંગ્રેસના મજબૂત નેતા બાબુલાલ નાગર સામે મોટી જીત મેળવી હતી. બૈરવા અગાઉ 2013માં પણ ચૂંટણી જીત્યા હતા.  ડૉ. પ્રેમચંદ બૈરવા મૌજમાબાદના શ્રીનિવાસીપુરા ગામના એક સામાન્ય દલિત પરિવારમાંથી આવે છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે શરૂ કરી હતી. 1995થી દુદુ બ્લોક સંગઠનમાં સક્રિય હતા. આ પછી વર્ષ 2000માં તેઓ દુદુ વોર્ડ  જીત્યા હતા. જિલ્લા પરિષદના સભ્ય તરીકે તેમની રાજકીય કારકિર્દીની આ પ્રથમ જીત હતી. તેઓ દુદુ ભાજપ મંડળના મહામંત્રી પણ રહી ચુક્યા છે.

જોકે, ભાજપે લોકસભા ચૂંટણી પહેલા સીએમ પદ પર બ્રાહ્મણ, ડેપ્યુટી સીએમ પદ પર રાજવી પરિવારની દિયા કુમારી રાજપૂત અને પ્રેમચંદ બૈરવાનને અનુસૂચિત જાતિના ચહેરા તરીકે જાહેર કરીને  મોટો દાવ ખેલ્યો છે.

ભાજપના શાસનમાં 30 વર્ષ બાદ ફરી નાયબ મુખ્યમંત્રી

આ પહેલા રાજસ્થાનમાં બીજેપી શાસન દરમિયાન ક્યારેય બે નાયબ મુખ્યમંત્રી બન્યા ન હતા. રાજ્યમાં 1952થી અત્યાર સુધીમાં પાંચ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જેમાંથી ચાર કોંગ્રેસના શાસનમાં અને એક ભાજપના શાસનમાં હતા. 2002-2003માં કોંગ્રેસના શાસન દરમિયાન બે ડેપ્યુટી સીએમ હતા. 1993માં ભાજપે હરિશંકર ભાભડાને પ્રથમ અને છેલ્લી વખત રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા. આ વખતે પાર્ટીએ 30 વર્ષ પછી એક નહી પણ બે નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં સુપર સરપ્રાઈઝ, ભજનલાલ શર્મા ભાજપના મુખ્યપ્રધાન

Back to top button