અમદાવાદ, 12 ડિસેમ્બર 2023, ગુજરાત હાઈકોર્ટમાં આજે રખડતાં ઢોર, ટ્રાફિક અને ખરાબ રસ્તા મુદ્દે થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. અરજદારે કોર્ટને જણાવ્યું કે નડિયાદમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ઢોર પોલિસી અમલીકરણના નામે નડિયાદમાં પશુઓ ઉપર ક્રૂરતા આચરવામાં આવે છે. આ હરકત ઓથોરિટીની નહીં પણ અન્ય લોકોની છે. કોર્ટે કહ્યું હતું કે માણસોની ભલાઈ ખાતર પશુઓ ઉપર ક્રૂરતા આચરી શકાય નહીં.માલધારી સમાજે પણ પશુઓ સાથે થયેલ ક્રૂરતાના ફોટા કોર્ટ સમક્ષ મૂક્યા હતા. કોર્ટે તમામ રિપોર્ટસ જોઈને સરકાર અને AMCને ઢોરવાડાની ક્ષમતા અને તેમાં પશુઓને મળતી ટ્રીટમેન્ટની વિગતો આપવા આદેશ કર્યો હતો.કોર્ટે પ્રીવેન્શન ઓફ એનિમલ ક્રુઅલટી એક્ટ અંતર્ગત આરોપીઓ સામે પગલાં લેવા જણાવ્યું હતું.
AMC અને રાજ્ય સરકારે એફિડેવિટ ફાઈલ કરી હતી
ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ સરકાર સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે અનેકવાર AMC અને રાજ્ય સરકારને રખડતા ઢોર, ટ્રાફિક અને ખરાબ રસ્તા માટે નિર્દેશો બહાર પાડ્યા હતા.પરંતુ બંને ઓથોરિટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.હાઇકોર્ટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી પાસે એક અલગ રિપોર્ટ મંગાવ્યો હતો જેમાં સ્થિતિ જૈસૈ થે હોવાનું જણાવાયું હતું. કોર્ટે ઓથોરિટીની ઝાટકણી કાઢ્યા બાદ AMC અને રાજ્ય સરકારે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી રિપોર્ટ ઉપર થયેલ કામગીરી અંગે એફિડેવિટ ફાઈલ કરી હતી.જેમાં ઓથોરિટી દ્વારા કરાયેલ કાર્યથી હાઈકોર્ટ સંતુષ્ટ જણાતી હતી. દિવાળી દરમિયાન થયેલ કામગીરીનો અહેવાલ કોર્ટ સમક્ષ મૂકવા જણાવ્યું હતુ.
ઈશ્વર આપણને સૌને માફ નહીં કરે
અરજદારે કોર્ટને જણાવ્યું કે નડિયાદમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે.પોલિસી અમલીકરણના નામે નડિયાદમાં પશુઓ ઉપર ક્રૂરતા આચરવામાં આવે છે. આ હરકત ઓથોરિટીની નહીં પણ અન્ય લોકોની છે. જે વ્યક્તિએ નડિયાદ કોર્ટમાં પશુ ઘૂસ્યું હતુ તેની જાણકારી આપી હતી તે જ વ્યક્તિએ પશુઓની સમસ્યાને નાથવા ઓથોરિટી સમક્ષ અરજી કરી હતી. કોર્ટે આ અહેવાલ ઉપર ખેડા કલેક્ટરને તુરંત પગલાં લઈને રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ઈશ્વર આપણને સૌને માફ નહીં કરે. કોર્ટે કહ્યું હતું કે પશુ માલિકો સામે ઓથોરિટી પગલાં લે પરંતુ તેનો નિર્દોષ પ્રાણીઓ ભોગ ન બને તેનું પણ ધ્યાન રાખે.