પાકિસ્તાનમાં બીજા લગ્ન કરનાર એક વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા
- પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા એક વ્યક્તિને બીજી વાર લગ્ન કરવા ભારે પડ્યા, કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી
પાકિસ્તાન, 12 ડિસેમ્બર: પાકિસ્તાનની ઈસ્ટર્ન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે એક ખ્રિસ્તી પુરુષને કાયદા વિરુદ્ધ બીજી વખત લગ્ન કરવા બદલ દોષિત ઠેરવ્યો છે. કોર્ટે ઈલિયાસને ક્રિશ્ચિયન મેરેજ એક્ટ, 1872 હેઠળ દોષિત જાહેર કર્યો છે. સિંધ પ્રાંતના રહેવાસી જોશુઆ ઈલિયાસ નામના વ્યક્તિએ તેની પ્રથમ પત્ની જીવિત હોવા છતાં બીજા લગ્ન કર્યા હતા. ક્રિશ્ચિયન મેરેજ એક્ટનો ભંગ કરનાર આ પ્રથમ વ્યક્તિ બની ગયો છે, જેને કોર્ટ દ્વારા બીજા લગ્ન કરવા પર સજા આપવામાં આવી.
પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવા પર ત્રણ વર્ષની સજા
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, ઈસ્ટર્ન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે જોશુઆ ઈલિયાસને ક્રિશ્ચિયન મેરેજ કાયદાના ઉલ્લંઘનનો દોષી ઠેરવ્યા બાદ તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત તેના પર 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, ઈલિયાસને CrPCની કલમ 245 (ii) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.
પત્ની જીવતી હતી છતાં બીજા લગ્ન કર્યા
કોર્ટના દસ્તાવેજો અનુસાર, ઈલિયાસ પર પાકિસ્તાન પીનલ કોડ (PPC) ની કલમ 468, એટલે કે ઇરાદાપૂર્વક બનાવટી, કલમ 472, એટલે કે છેતરપિંડીથી કોઈપણ દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરવા અને કલમ 494, એટલે કે જીવનસાથી જીવિત હોય તેમ છતાં ફરીથી લગ્ન કરવા માટે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતા અને તેને કોર્ટ દ્વારા સોમવારે દોષિત ઠર્વ્યો છે.
PPCની આ તમામ કલમોમાં ત્રણ-ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. પરંતુ, ઈલિયાસને એક સાથે ત્રણેય સજા ભોગવવી પડશે. તેથી કોર્ટે આદેશ આપ્યો છે કે ઈલિયાસને નવ વર્ષના બદલે ત્રણ વર્ષ જેલમાં રહેવું પડશે. જો ઈલિયાસ દંડની રકમ નહીં ભરે તો તેને વધુ બે મહિના જેલમાં રહેવું પડશે.
પ્રથમ પત્નીને દુબઈ મોકલી હતી
કેસની સુનાવણી દરમિયાન અરજદાર અને ઈલિયાસની પત્ની એસ્ટરના વકીલે કહ્યું કે ઈલિયાસ અને તેના અસીલના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ ઈલિયાસે એસ્ટરને દુબઈ મોકલી દીધી હતી. વકીલે વધુમાં કહ્યું કે જ્યારે એસ્ટર પાકિસ્તાન પરત ફરી ત્યારે તેને ખબર પડી કે ઈલિયાસે બીજા લગ્ન કર્યા છે. જે ક્રિશ્ચિયન મેરેજ એક્ટ વિરુદ્ધ છે.
આ પણ વાંચો: ન્યૂયોર્કમાં છ માળની ઈમારતનો એક ખૂણો પત્તાની જેમ ધરાશાયી થયો