ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના રિવરફ્રન્ટમાં ખાણીપીણી બજાર શરૂ થશે, 8 ફૂડ વાન માટે ટેન્ડર પ્રોસેસ

  • સાબરમતી રિવરફ્રન્ટમાં નવું નજરાણું ઉમેરાશે
  • અટલ બ્રિજ, રિવર ક્રુઝ, સ્પીડ બોટ, વોટર બાઈક, વગેરે સુવિધાઓ ડેવલપ થઇ
  • ત્રણ વર્ષ માટે ભાડાપટ્ટાથી લાઇસન્સ આપવામાં આવશે

અમદાવાદના રિવરફ્રન્ટમાં ખાણીપીણી બજાર શરૂ થશે. જેમાં પશ્ચિમ કાંઠે કુલ 220 ચો.મી.માં બજાર માટે 3 વર્ષની લીઝ અપાશે. સરદાર બ્રિજ નીચે ખાણી પીણી બજાર, 8 ફૂડ વાન માટે મ્યુનિ.એ ટેન્ડર પ્રોસેસ હાથ ધરી છે. ખાણીપીણી બજાર શરૂ કરાયા પછી રિવરફ્રન્ટના મુલાકાતીઓની સંખ્યામાં વધારો થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં જાણો કેમ લાગ્યો કડકડતી ઠંડીનો ચમકારો

સાબરમતી રિવરફ્રન્ટમાં નવું નજરાણું ઉમેરાશે

રિવરફ્રન્ટમાં ખાણીપીણી બજાર શરૂ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને આ હેતુસર રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે સરદાર બ્રિજની નીચે સરદાર પ્લાઝાની 220 ચોરસ મીટર જેટલી જગ્યામાં 8 જેટલી ફુડ વાન મૂકવા અને ખાણીપીણી બજાર શરૂ કરવા મ્યુનિ. દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આમ, ખાવા પીવાના શોખીન અમદાવાદીઓ અને બહારગામ તેમજ પરપ્રાંતમાંથી આવતા મુલાકાતીઓ માટે ખાણી પીણીનું નવું ડેસ્ટીનેશન ઉભું થશે અને સાબરમતી રિવરફ્રન્ટમાં નવું નજરાણું ઉમેરાશે.

અટલ બ્રિજ, રિવર ક્રુઝ, સ્પીડ બોટ, વોટર બાઈક, વગેરે સુવિધાઓ ડેવલપ થઇ

એએમસીના મહત્વાકાંક્ષી એવા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન પ્રોજેક્ટને વધુને વધુ ડેવલપ કરવા અને નવા નવા આકર્ષણાનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. AMC દ્વારા સાબરમતી રિવરફ્રન્ટને ડેવલપ પ્રોજેક્ટ અંતર્ગત અટલ બ્રિજ, રિવર ક્રુઝ, સ્પીડ બોટ, વોટર બાઈક, વગેરે સુવિધાઓ ડેવલપ કરવામાં આવી છે. હવે ખાવા પીવાના શોખીન શહેરીજનો માટે રિવરફ્રન્ટ પર ખાણી પીણી બજાર શરૂ કરાશે. સરદાર બ્રિજની નીચે ઘાટ નં. 11ની સામેની સીડીની ડાબી બાજુ 70 ચોરસ મીટર સરદાર પ્લાઝાના લાઇટ પોલ JAWL 1765 અને JAWL 1764ની વચ્ચે 150 મીટર જગ્યામાં કુલ 8 જેટલી ફૂડવાન-કિઓસ્ક મૂકી શકાશે. SRFDL દ્વારા લઘુત્તમ માસિક ભાડાની રકમ રૂ. 2.40 લાખ નક્કી કરાઈ છે.

ત્રણ વર્ષ માટે ભાડાપટ્ટાથી લાઇસન્સ આપવામાં આવશે

ત્રણ વર્ષ માટે ભાડાપટ્ટાથી લાઇસન્સ આપવામાં આવશે. પાણી અને લાઈટની વ્યવસ્થા રિવરફ્રન્ટ દ્વારા કરવામાં આવશે. દર મહિનાની લાઇસન્સ ફી ની રકમ અને મેન્ટેનન્સ ચાર્જમાં અગાઉના વર્ષમાં ભરેલી માસિક લાયસન્સ ફી અને મેન્ટેનન્સ ચાર્જમાં પાંચ ટકાનો વધારો કરવાનો રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પર દરરોજ હજારો લોકો હરવા ફરવા માટે આવે છે. ખાસ કરીને રિવરફ્રન્ટ પર રાત્રિના સમયે લોકો વધુ આવતા હોય છે. રિવરફ્રન્ટના સરદાર બ્રિજના નીચેના ભાગે નવું ખાણીપીણી બજાર શરૂ કરાયા પછી રિવરફ્રન્ટના મુલાકાતીઓની સંખ્યામાં વધારો થશે અને ખાવા પીવાના શોખીનોને તેનો લાભ મળી રહેશે.

Back to top button