BSP: માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને તેમના ઉત્તરાધિકારી જાહેર કર્યા
- માયાવતીએ આજે લખનઉમાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે
- બેઠકમાં માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે
લખનઉ, 10 ડિસેમ્બર: બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતીએ આજે લખનઉમાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. બસપાની આ બેઠક દરમિયાન માયાવતીએ બધાની સામે જાહેરાત કરી હતી કે, બસપામાં તેમના ઉત્તરાધિકારી આકાશ આનંદ હશે. આ બેઠકમાં માયાવતીએ પાર્ટીના તમામ રાષ્ટ્રીય અધિકારીઓ અને હવે રાજ્યોના મુખ્ય અધિકારીઓને બોલાવ્યા છે.
માયાવતી આજે સવારે આકાશ આનંદ સાથે બેઠકમાં પહોંચ્યાં હતાં. તાજેતરમાં બસપાએ આકાશ આનંદને ચાર રાજ્યોની જવાબદારી સોંપી હતી. છેલ્લા 6 વર્ષમાં આકાશની સક્રિયતા પાર્ટીમાં વધી રહી છે. શરૂઆતમાં માયાવતીએ આકાશનો મંચ ઉપર પરિચય કરાવ્યો હતો. માયાવતીએ આકાશ આનંદને પાર્ટી કોઓર્ડિનેટર જેવું મહત્વનું પદ આપ્યું હતું. આકાશે અન્ય રાજ્યોમાં સંગઠનની બેઠકો અને સભાઓ યોજી હતી.
કોણ છે આકાશ આનંદ ?
આકાશ આનંદ માયાવતીના નાના ભાઈ આનંદ કુમારના પુત્ર છે. આકાશ આનંદે પ્રાથમિક શિક્ષણ ગુડગાંવમાં લીધું હતું, તેમજ આગળનો અભ્યાસ લંડનમાં કર્યો હતો. આકાશ આનંદે લંડનથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) કર્યું છે. રાજનીતિમાં તેમની એન્ટ્રી વર્ષ 2017માં થઈ હતી, જ્યારે તેઓ સહારનપુરની રેલીમાં પહેલીવાર માયાવતી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આકાશ હાલમાં પાર્ટીના કોઓર્ડિનેટર પણ છે. આકાશ આનંદની રાજકીય સફરની વાત કરીએ તો તેમણે વર્ષ 2017માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. માયાવતીએ 2017માં એક મોટી રેલી કરીને આકાશ આનંદને રાજકારણમાં ઉતાર્યા હતા.
યુપીમાં આકાશની એન્ટ્રી થયા બાદ બસપા સતત નબળી પડી રહી છે. પાર્ટીને 2017 અને 2019માં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 2022ની યુપી ચૂંટણીમાં બસપાને માત્ર એક જ બેઠક મળી હતી. એવા રાજ્યોમાં બસપાના પ્રદર્શનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે જ્યાં પાર્ટીના મૂળ જૂના અને ઊંડા છે પરંતુ એટલા મજબૂત નથી.
આકાશને ઉત્તરાધિકારી કેમ બનાવવામાં આવ્યા?
માયાવતીએ તેમના ભત્રીજાને તેમના અનુગામી તરીકે જાહેર કરતાં જ આકાશ આનંદની સંગઠનાત્મક ક્ષમતાને લઈને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થાય તેવી પૂરી શક્યતાઓ છે. શા માટે બસપાએ અનુભવી નેતાઓને અવગણીને યુવાન ચહેરા પર દાવ લગાવ્યો? આ અંગે હજુ સુધી કોઈ રાજકીય પ્રતિક્રિયા આવી નથી. પરંતુ તેની પાછળનો ઈરાદો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે, ક્રિકેટની ભાષામાં કહીએ તો, માયાવતી આકાશ આનંદને ભવિષ્યની રાજનીતિ માટે પ્રેક્ટિસ મેચ આપવા માંગે છે, જેથી તેમને ચૂંટણીની રણનીતિ, ટિકિટ વિતરણ, ચૂંટણી પ્રચાર અને અન્ય પાસાઓનો અનુભવ મળી શકે.
આ પણ વાંચો, બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને હત્યાની ધમકી આપનારની બિહારમાંથી ધરપકડ